Mehsana News: મહેસાણાના નાગલપુર વિસ્તારમાં મિત્રતાને લઈને થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. એક યુવકે ફરિયાદ નોંધાવી છે કે મહિલા મિત્રના ભાઈ સહિત છ શખ્સોએ તેના પર બે અલગ-અલગ સ્થળે જીવલેણ હુમલો (Mehsana Attack) કર્યો, કારમાં તોડફોડ કરી અને વાહનમાં રાખેલા ₹1 લાખ રોકડા પણ લઈ ગયા. સમગ્ર મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Mehsana Attack : પિઝા શોપ પર શરૂ થયો વિવાદ
ફરિયાદ મુજબ, કડી તાલુકાના ખેરપુર ગામના રહેવાસી અને હાલ અમદાવાદમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 28 વર્ષીય ચિરાગ રબારી 13 જુલાઈ, 2026ના રોજ પોતાની બહેન રોશની સાથે મહેસાણા દવા લેવા આવ્યા હતા. બંને મિત્રની બેલેનો કાર લઈને આવ્યા હતા.
બપોરે તેઓ રાધનપુર રોડ પર આવેલી એક પિઝા શોપમાં નાસ્તો કરવા ગયા હતા. ત્યાં ચિરાગની મહિલા મિત્ર આયુષી અને તેની બહેનપણી પણ આવી પહોંચ્યા હતા. ચારેય જણા વાતચીત કરી રહ્યા હતા ત્યારે આયુષીનો ભાઈ અને તેના સાગરીતો ત્યાં આવી પહોંચ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આયુષીના ભાઈએ ચિરાગ સાથે બોલાચાલી કરી અને મહિલા મિત્ર સાથે બેસવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
સમાધાનના બહાને બોલાવી હુમલાનો આક્ષેપ
ફરિયાદ અનુસાર, બાદમાં સમાધાનના બહાને ચિરાગને નાગલપુરના ખુલ્લા મેદાનમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા હથિયારોથી હુમલો (Mehsana Attack) કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ચિરાગના સંબંધીઓ વચ્ચે પડતાં વધુ મારામારી અટકી હતી અને તેને ત્યાંથી ઘરે લઈ જવામાં આવ્યો હતો.
સાંજે ફરી હુમલો
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે રાત્રે આશરે 8 વાગ્યે આરોપીઓ ફરી એકવાર ચિરાગ જ્યાં રોકાયો હતો ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં પણ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.સ્થાનિક લોકો એકઠા થતાં આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું જણાવાયું છે.
કારમાં તોડફોડ અને ₹1 લાખ લઈ જવાનો આરોપ
ઇજાગ્રસ્ત યુવકે પોતાની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે હુમલાખોરોએ મિત્રની બેલેનો કારમાં તોડફોડ કરી હતી તેમજ કારમાં રાખેલા આશરે ₹1 લાખ રોકડા પણ લઈ ગયા હતા.હુમલા બાદ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે શરૂ કરી તપાસ
આ સમગ્ર મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે હુમલા (Mehsana Attack)ની પરિસ્થિતિ, આરોપો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે.
આ પણ વાંચો:મહેસાણાના ખેરવામાં ધોળે દિવસે લૂંટ
આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર પર દાદાગીરીપૂર્વક હુમલો
