Mehsana News: ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં હનીટ્રેપનો (Mehsana Honey Trap) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પાટણના એક સોની વેપારીને(Patan Goldsmith) એન્ટિક સિક્કા ખરીદવાની લાલચ આપીને મહેસાણામાં બોલાવવામાં આવ્યો હતો. અહીં અગાઉથી ગોઠવાયેલા કાવતરાના ભાગરૂપે વેપારીને ફ્લેટમાં બંધક બનાવી તેની સાથે મારપીટ કરવામાં આવી, કપડાં ઉતરાવી બિભત્સ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા તેમજ રોકડ અને સોનાની માળાની લૂંટ ચલાવી વધુ રૂપિયા 3 લાખની ખંડણી માંગવામાં આવી હતી. સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
એન્ટિક સિક્કાના સોદાના બહાને મહેસાણા બોલાવ્યો
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ પાટણના સોની વેપારીનો સંપર્ક કરીને તેમની પાસે દુર્લભ અને કિંમતી એન્ટિક સિક્કા હોવાનો દાવો કર્યો હતો. સોદો કરવાના બહાને વેપારીને મહેસાણા (Mehsana Honey Trap) શહેરના ખુશ્બુ ફ્લેટ ખાતે બોલાવવામાં આવ્યા હતા. વેપારી સ્થળ પર પહોંચતા જ સમગ્ર કાવતરાનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો.
ફ્લેટમાં બંધક બનાવી કપડાં ઉતરાવ્યા
વેપારી ફ્લેટમાં પહોંચતા જ કેટલાક લોકો અંદર ઘૂસી આવ્યા અને તેમને ધમકાવી બંધક બનાવી દીધા. ત્યારબાદ વેપારીના કપડાં ઉતરાવી તેના બિભત્સ ફોટા અને વીડિયો બનાવવામાં આવ્યા. આરોપીઓએ આ ફોટા સોશિયલ મીડિયા અને પરિવારજનો સુધી પહોંચાડવાની ધમકી આપી વેપારી પર ભારે દબાણ ઊભું કર્યું હતું.
રોકડ અને સોનાની માળા લૂંટી, પછી 3 લાખની ખંડણી
આરોપીઓએ વેપારી (Patan Goldsmith) પાસેથી અંદાજે રૂ. 10 હજાર રોકડ તેમજ ગળામાં પહેરેલી આશરે 18 ગ્રામ વજનની સોનાની ચેઇન છીનવી લીધી હતી. એટલું જ નહીં, વેપારીને બદનામ કરવાની ધમકી આપી વધુ રૂ. 3 લાખ ચૂકવવાની માંગણી પણ કરી હતી.
વેપારીએ પોલીસનો સંપર્ક કરતા આખું કાવતરું બહાર આવ્યું
ઘટના બાદ ગભરાયેલા વેપારીએ મહેસાણા(Mehsana Honey Trap) એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે હનીટ્રેપ ગેંગના બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા.
બે આરોપીઓ ઝડપાયા, બે હજુ ફરાર, પોલીસની અપીલ
પોલીસે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સામે ખંડણી, લૂંટ, ગુનાહિત કાવતરું, ધાકધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. તેમની ધરપકડ માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી કિંમતી વસ્તુઓ, એન્ટિક સિક્કા અથવા સસ્તા સોદાની લાલચથી સાવચેત રહેવાની અપીલ કરી છે. આવા કોઈ પણ સોદા કરતા પહેલાં વ્યક્તિ અને સ્થળની સંપૂર્ણ ચકાસણી કરવા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: મહેસાણામાં વેપારી હનીટ્રેપનો શિકાર, એન્ટિક સિક્કાના બહાને બોલાવી રૂ. 4.35 લાખની લૂંટ
આ પણ વાંચો: ડીસામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો: યુવકનું અપહરણ કરી રૂ.54 હજાર લૂંટ્યા, 4 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: મોરબીમાં હનીટ્રેપનો ભંડાફોડ: સ્પા વર્કરે વેપારી પાસેથી 19 લાખ અને દાગીના પડાવ્યા
