Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 બાદ હવે ચૂંટણી ખર્ચના હિસાબને લઈને વિવાદ ઊભો થયો છે. રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલી ફરિયાદમાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર (Mehsana Mayor) સોનલબેન ઓઝા સહિત કુલ 168 ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિયત સમયમર્યાદામાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કર્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં નિયમ મુજબ કાર્યવાહી કરી આ પ્રતિનિધિઓને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓ સામે ફરિયાદ
ફરિયાદ મુજબ કુલ 168 પ્રતિનિધિઓમાં મહાનગરપાલિકાના 3 ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના 133 પ્રતિનિધિઓ ,જિલ્લા અને તાલુકા પંચાયતના 32 પ્રતિનિધિઓ સામેલ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ચૂંટણી ખર્ચના હિસાબ મેળવવામાં અને જરૂરી કાર્યવાહી કરવામાં બેદરકારી દાખવનારા 18 ચૂંટણી અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
Mehsana Mayor: ચૂંટણી પરિણામ બાદ એક મહિનામાં ખર્ચ રજૂ કરવાનો નિયમ
ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજ્ય ચૂંટણી આયોગના નિયમો અનુસાર ચૂંટણી લડનાર ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલા ખર્ચનો સંપૂર્ણ હિસાબ જાળવવાનો હોય છે. આમાં ખર્ચ રજિસ્ટર,ખર્ચનું તારીખવાર પત્રક ચૂંટણી ખર્ચ અંગેનું સોગંદનામું રજૂ કરવાનું હોય છે. આ તમામ દસ્તાવેજો ચૂંટણી પરિણામ જાહેર થયાના એક મહિનાની અંદર સંબંધિત ચૂંટણી અધિકારીને આપવાના હોય છે.
Mehsana Mayor સહિત 168 ઉમેદવારોએ અધૂરા હિસાબ રજૂ કર્યાનો આક્ષેપ
ફરિયાદકર્તા સંતોષસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર ઉપલબ્ધ દસ્તાવેજોના ઓડિટમાં સામે આવ્યું કે, 99 ઉમેદવારોએ એફિડેવિટ અથવા ખર્ચ રજિસ્ટરમાંથી કોઈ દસ્તાવેજ રજૂ કર્યો નથી. 52 ઉમેદવારોએ માત્ર એફિડેવિટ રજૂ કરી છે, પરંતુ ખર્ચનો હિસાબ આપ્યો નથી. 17 ઉમેદવારોએ ખર્ચ પત્રક આપ્યું છે, પરંતુ એફિડેવિટ રજૂ કરી નથી. ફરિયાદમાં આ માહિતી રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ પર અપલોડ થયેલા રેકોર્ડના આધારે મેળવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Mehsana Mayor સહિત 3 મનપા પ્રતિનિધિઓના નામ
ફરિયાદમાં મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Mayor)ના ત્રણ પ્રતિનિધિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વોર્ડ નંબર-11ના સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા,વોર્ડ નંબર-11ના ઉષાબેન મિલનકુમાર ચૌધરી ,વોર્ડ નંબર-7ના હસુમતીબેન ચૌહાણનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ તેમના ઉપલબ્ધ દસ્તાવેજોમાં ‘NIL’ દર્શાવવામાં આવ્યું છે અને ચૂંટણી ખર્ચની એફિડેવિટ તથા ખર્ચ પત્રક અપલોડ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ચૂંટણી અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ
ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલાક ચૂંટણી અધિકારીઓએ ઉમેદવારો પાસેથી સમયસર ખર્ચના હિસાબ મેળવવાની અને જરૂરી નોટિસ આપવાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી.આથી આવા 18 અધિકારીઓ સામે પણ વિભાગીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની માંગ
ફરિયાદકર્તાએ રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ માંગ કરી છે કે નિયમોનું પાલન ન કરનારા તમામ 168 પ્રતિનિધિઓને નોટિસ આપવામાં આવે.જો સંતોષકારક જવાબ ન મળે તો કાયદા મુજબ કાર્યવાહી કરી તેમને છ વર્ષ માટે ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવવામાં આવે.
હવે ચૂંટણી આયોગના નિર્ણય પર નજર
ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા પાછળનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી જાળવવાનો છે.હવે સમગ્ર મામલે રાજ્ય ચૂંટણી આયોગ અને સંબંધિત સત્તાધિકારીઓ શું કાર્યવાહી કરે છે તેના પર રાજકીય અને વહીવટી વર્તુળોની નજર રહેશે.
આ પણ વાંચો:મહેસાણા મનપાના નવા મેયર તરીકે ભાજપના સોનલ ઓઝાની પસંદગી
આ પણ વાંચો:મહેસાણા મનપામાં ચા-નાસ્તાના ખર્ચ પર સવાલો, ₹5 લાખના બજેટ સામે ₹12 લાખ ખર્ચના આક્ષેપ
આ પણ વાંચો:ગુજરાતની 15માંથી 8 મહાનગરપાલિકામાં મહિલા મેયર, સ્થાનિક રાજકારણમાં મહિલાશક્તિનું પ્રભુત્વ
