જો તમે મોબાઇલના ખરાબ નેટવર્કથી હેરાન થઇ ગયા છો અને તમને સિગ્નલ નથી મળી રહ્યાં તો તમારા માટે સારા સમાચાર આવી રહ્યાં છે.ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે,તેમ તેમ મોબાઇલ નેટવર્કથી વધુ અને વધુ લોકોને જોડવાના પ્રયત્નો થઇ રહ્યાં છે.એવું સામે આવી રહ્યું છે કે તમે ટૂંક સમયમાં જ પોતાના ઘર, ઓફિસ અથવા કોઇપણ એવી જગ્યાએ નેટવર્ક વિના કોલ કરી શકશો, તે પણ કોઇપણ લેંડલાઇન અથવા મોબાઇલ પર.
કેન્દ્ર સરકારે નેટવર્ક વગર પણ કોલ થઇ શકે તેવા પ્રસ્તાવને લીલીઝંડી આપી દીધી છે. આ સર્વિસને ઇન્ટરનેટ ટેલીફોની નામથી ઓળખવામાં આવશે. જે ટેલિકોમ ઓપરેટર્સ અને બીજી કંપનીઓ પાસે ટેલીફોની લાઇસેંસ હશે, તે ગ્રાહકોને આ સુવિધા ઓફર કરી શકશે. તેના માટે કોઇપણ પ્રકારના સીમની જરૂર પડશે નહી. બસ એક એપના માધ્યમથી તેને એક્ટિવ કરી શકાશે.
ઇંટરનેટ ટેલીફોની ને લઇને ટેલીકોમ રેગ્યુલેટર ઓથોરીટીએ (TRAI) એ ગત ઓક્ટોબરમાં આ સલાહ આપી હતી. કોલ ડ્રોપની સમસ્યાને ખતમ કરવા માટે નવી કનેક્ટિવિટીની ભલામણ કરી હતી. તેની પાછળનો હેતું દેશમાં વધતી જતી કોલ ડ્રોપ અને ખરાબ નેટવર્કની સમસ્યાને દૂર કરવાનો છે.
