Politics/ મોદી નોટ આઉટ: મોદીની 22 વર્ષની વણથંભી રાજકીય યાત્રા

નરેન્દ્રભાઇ મોદીને રાજકીય સફરના 22 વર્ષ 7મી ઑક્ટોમ્બરે પૂર્ણ થયા છે. તેમણે રાજ્ય અને દેશના વિકાસમાં જે અભૂતપૂર્વ દૃષ્ટિવંત કામગીરી કરી છે તેના ફળ નાગરિકોને મળી રહ્યા છે.

Top Stories India

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર

નરેન્દ્રભાઇ મોદીની અભતપૂર્વ સફળતાનું રહસ્ય શું ? આ પ્રશ્નનો ખરેખર જવાબ આપવો હોય તો એક પુસ્તક લખવું પડે. પરંતુ લોકમુખે ચડી ગયેલા સૂત્રમાં તેનો જવાબ આપવો હોય તો કહી શકાય, મોદી હૈ તો મુમકિન હૈ! ‘નથિંગ ઈજ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ’નો અર્ક આ સૂત્રમાં આવી જાય છે. તેમનું વ્યક્તિત્વ એક પરફેક્ટ વ્યક્તિત્વ છે. તેઓ પ્રખર વકતૃત્વ કલાના મહારથી તો છે જ, પરંતુ તે સાથે તેમની ડ્રેસિંગ સેન્સ, બોડી લેંગ્વેજ, આત્મવિશ્વાસથી ભરપૂર ઉચ્ચ શબ્દાવલી સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી નાખે છે. તેમના વિચારો સાથે સહમત ના હોય, નખશીખ તેમના વિરોધ હોય તે પણ તેમને સાંભળે તો હિપ્નોટાઈઝ થઈ જાય છે. તમામ ક્ષેત્રોની માહિતી, લોજીક, ઉચ્ચ શબ્દોની પસંદગી તેમના વકતૃત્વને વધુ મોહીત બનાવે છે.

વિરોધીઓને પરાસ્ત કરવાની તેમની રીતિનીતિ આગવી અને અદભૂત છે. મે એક વખત તેઓના પુસ્તકની સમીક્ષા કરતી વખતે લખ્યું હતું કે મોદી સાહેબની કુંડળીમાં જ કોઈ એવા યોગ છે, તેના કારણે તેમની સામે તીર છોડનારનું તીર યુટર્ન મારીને છોડનારની છાતીમાં જ ઘૂસી જાય છે. તેઓની અભૂતપૂર્વ રાજકીય સફળતામાં થોડા ઘણા નહીં અનેક લોકો દૈવીશક્તિનો અંશ હોવાનું માનવા લાગ્યા છે. પ્રખર વિરોધ વચ્ચે અડીખમ ઊભા રહવાની તેમની તાકતમાં આ બાબત ઇંગિત થાય છે

વહીવટની વાત કરીએ તો ઊંડીસુઝને ઉજાગર કરતાં નિર્ણયો અને નિર્ણયને અમલમાં મુકવાની એટલી જ બેબાક હિંમત ’56ની ઇંચની છાતી’ની શાખ પુરે છે. એ પછી નોટબંધી હોય, જીએસટીનો અમલ હોય, તીન તાલકનો નિર્ણય હોય, કલમ 370 હટાવવાની હોય… આવા તો અનેક નિર્ણયો તેમણે વડાપ્રધાન તરીકે છેલ્લા 10 વર્ષમાં લીધા છે. તેઓના મજબૂત નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.

આ પહેલા તેઓશ્રી લાંબા સમય સુધી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે રહ્યાં હતા. 7-10-2001ના રોજ તેમણે મુખ્યમંત્રી તરીકે રાજ્યની બાગડોર સાંભળી હતી. ગુજરાતના ત્યાર બાદ થયેલા વિકાસે તેને ‘મોડેલ સ્ટેટ’ નો ખિતાબ આપાવ્યો, હિન્દુત્વની પ્રયોગશાળા પણ કહેવાઈ. આ વિકાસ મોડેલને જ તેઓશ્રી દેશની વિકાસ યાત્રામાં આગળ ધપાવ્યું. તેઓએ ધુરા સંભાળી તે પૂર્વે વિનાશક ભૂકંપે રાજ્યની ઔધોગિક અને વિકાસની ગતિને થંભાવી દિધી હતી. હતાશાનું વાતાવરણ ખડું થયું હતું. એ ગાળામાં તેમના મનમાં એક વિચાર ઝબુક્યો અને 2003થી શરૂ થયો વાઇબ્રન્ટ ગુજરાતનો મહત્વકાંક્ષી કાર્યક્રમ. જેનાથી ઔધોગિક ક્ષેત્રે સહાનુકૂળ વાતાવરણ સર્જાયું. તેમણે જલશક્તિ, જનશક્તિ, ઊર્જાશક્તિ, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિને કેન્દ્રમાં રાખી વિકાસની રાહ મજબૂતાઈથી પકડી.

2024ની ચૂંટણી બારણે ટકોરાં મારી રહી છે. તે પૂર્વે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થનાર છે. શારીરિક ચૂસતી-સ્ફૂર્તિ સાથે તેઓ રોજેરોજ પ્રવાસ કરી રહ્યા છે અને અનેક સભાઓ અને રેલીઓને સંબોધી રહ્યા છે કેટલાકને તો તેમની તંદુરુસ્તીનીય, દોડવાની શક્તિનીય ઈર્ષા થાય છે.