Monsoon Session 2026: સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર મહત્વના કાયદાકીય એજન્ડા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા તેજ બની છે કે સીમાંકન બિલ અને મહિલા અનામત બિલ જેવા મહત્વના મુદ્દાઓ પર દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) તરફથી સરકારને સમર્થન મળી શકે છે. જોકે, પક્ષ તરફથી આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, DMKએ સીમાંકન પ્રક્રિયા દરમિયાન તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોમાં પ્રમાણસર અંદાજે 50 ટકા વધારો કરવાની માંગણી કરી છે. કહેવાય છે કે સરકાર આ પ્રસ્તાવ પર સકારાત્મક વલણ દાખવી રહી છે. જો બંને પક્ષો વચ્ચે સહમતી બને તો સંસદમાં સરકારની સંખ્યાબળની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.
જોકે, DMKના રાજ્યસભા સાંસદ તિરુચી શિવાએ સરકારને બિનશરતી સમર્થન આપવાની ચર્ચાઓને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે દક્ષિણ ભારતના રાજ્યોના હિતોને અસર થાય તેવો કોઈ નિર્ણય પક્ષ સ્વીકારશે નહીં અને સીમાંકન અંગે કેન્દ્ર સરકાર તરફથી વધુ સ્પષ્ટતા જરૂરી છે.
રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને ચોમાસુ સત્ર દરમિયાન મહત્વના બિલો સરળતાથી પસાર થાય તે માટે સહયોગ આપવા અપીલ કરી હતી. બીજી તરફ કેટલાક રાજકીય નેતાઓએ દાવો કર્યો છે કે સીમાંકન મુદ્દે સરકાર અને કેટલાક પ્રાદેશિક પક્ષો વચ્ચે ચર્ચા આગળ વધી રહી છે.
સરકારની સંખ્યાબળની ગણતરી પર નજર
લોકસભામાં હાલમાં કુલ 544 સભ્યો છે અને બંધારણીય સુધારા જેવા મહત્વના બિલો પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી એટલે કે 363 મત જરૂરી બને છે. રાજકીય સમીકરણો મુજબ જો કેટલાક પ્રાદેશિક પક્ષો સરકારને સમર્થન આપે તો એનડીએ આ આંકડાની ખૂબ નજીક પહોંચી શકે છે. હજુ પણ કેટલાક પક્ષો અને અપક્ષ સાંસદો સાથે સરકારની ચર્ચા ચાલુ હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે.
ચોમાસુ સત્રમાં રજૂ થઈ શકે એવા મહત્વના બિલ
ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અનેક મહત્વના વિધેયકો સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાં મુખ્યત્વે નીચેના બિલોનો સમાવેશ થાય છે:
આવકવેરા (સુધારા) બિલ: વિદેશી રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ માટે વધુ અનુકૂળ વ્યવસ્થા ઉભી કરવાનો અને સરકારી દેવા બજારને મજબૂત બનાવવાનો હેતુ.
સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ: સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેના વટહુકમને કાયમી કાયદાનું સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ.
રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ: રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ના અપમાન સામે વધુ કડક કાનૂની જોગવાઈઓ લાવવાનો પ્રયાસ.
જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારા) બિલ: નોંધણી પ્રક્રિયામાં સુધારા અને આધુનિકીકરણ સંબંધિત જોગવાઈઓ.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ (સુધારા) બિલ: MSME ક્ષેત્રમાં વિલંબિત ચુકવણી સંબંધિત વિવાદોના ઝડપી નિરાકરણ માટે કાનૂની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો હેતુ.
ચોમાસુ સત્રમાં આ તમામ મુદ્દાઓને લઈને સંસદમાં ઉગ્ર ચર્ચા અને રાજકીય ટકરાવ જોવા મળી શકે છે. ખાસ કરીને સીમાંકન, મહિલા અનામત અને રાષ્ટ્રીય સન્માન સંબંધિત પ્રસ્તાવો પર સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ચોમાસુ સત્રમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવવાની તૈયારી, જાણો કોંગ્રેસની રણનીતિ શું હશે
આ પણ વાંચો: ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં કરાઈ આ માગ, કોંગ્રેસે માંગ્યુ ડેપ્યુટી સ્પીકર પદ
આ પણ વાંચો: ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ, જાણો આ વખતે કયા બિલ રજૂ કરવામાં આવશે
