New Delhi News : મહિલા અનામત(Womens Reservation) બિલને લઈને રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા માંગ કરી છે કે જૂનું મહિલા અનામત બિલ ફરી તાત્કાલિક સંસદમાં રજૂ કરવામાં આવે.
Priyanka Gandhiએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જો સરકાર ખરેખર મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ હોય તો સોમવારે જ સંસદ બોલાવીને પહેલાનું બિલ ફરી રજૂ કરવું જોઈએ. તેમણે કહ્યું કે “આ બિલ પર બધા પક્ષોએ પહેલા સહમતિ આપી હતી, હવે ફરીથી તેને લાવીને સ્પષ્ટ થઈ જશે કે કોણ મહિલાઓના હિતમાં છે.”

શુક્રવારે ખાસ સત્ર દરમિયાન બંધારણ (131મો સુધારો) બિલ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. મતદાનમાં 298 સાંસદોએ સમર્થન આપ્યું હતું જ્યારે 230એ વિરોધ નોંધાવ્યો હતો. બિલ પસાર ન થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેને નામંજૂર જાહેર કર્યું.
આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર હવે આ સાથે જોડાયેલા અન્ય બે બિલોને આગળ વધારશે નહીં.
વિષયને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ વધુ તેજ થયા છે. ભાજપે વિપક્ષ પર મહિલાઓના હિતના સુધારાને અટકાવવાનો આરોપ મૂક્યો છે, જ્યારે અમિત શાહે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર બિલને ખોરવવાનો આરોપ લગાવ્યો છે.
બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે તેઓ મહિલા અનામત(Womens Reservation) ના વિરોધમાં નથી, પરંતુ તેને સીમાંકન અને વસ્તી ગણતરી સાથે જોડવાનો વિરોધ કરે છે. વિપક્ષી નેતાઓએ તેને ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માળખા સાથે જોડાયેલ ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
આ સમગ્ર વિવાદને કારણે સંસદમાં રાજકીય તણાવ વધુ વધ્યો છે અને બંને પક્ષો પોતાના દાવાઓને લઈને એકબીજા સામે વધુ આક્રમક બની રહ્યા છે.
