Surat Monsoon Update: સુરત શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ફરી સામે આવી છે. ભાઠેના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
ભાઠેના વિસ્તારમાં વરસાદ બાદ મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. ડ્રેનેજ વ્યવસ્થાની ખામીને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વિસ્તાર જળમગ્ન બન્યો હતો. વાહનચાલકો ઉપરાંત રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ દરમિયાન ભાઠેના વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પરિવારમાં સ્વજનના નિધન બાદ અંતિમ યાત્રા કાઢવાની હતી, પરંતુ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે પરિવારજનો અને સ્થાનિકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પાલિકા તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, ભાઠેના વિસ્તારમાં વરસાદ પડે ત્યારે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. અનેક રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન આવતા ચોમાસા દરમિયાન લોકો મુશ્કેલીમાં મુકાય છે.
રહીશોએ જણાવ્યું કે, પાણી ભરાવાના કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત ઈમરજન્સી સેવા અને અંતિમ યાત્રા જેવી સંવેદનશીલ પરિસ્થિતિમાં પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોએ પાલિકા પાસે માંગ કરી છે કે માત્ર વરસાદ સમયે પાણી કાઢવાની કામગીરી પૂરતી ન રાખવામાં આવે, પરંતુ ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ વોટર સિસ્ટમમાં જરૂરી સુધારા કરી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
ભાઠેનાની આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરના વરસાદી આયોજન અને પાણી નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. હવે સ્થાનિકો તાત્કાલિક પગલાં સાથે લાંબા ગાળાના ઉકેલની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદ, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર,ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત
આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદને પગલે 1 ઓગસ્ટે તમામ શાળાઓ બંધ, જિલ્લા શિક્ષણ અધિકારીની સત્તાવાર જાહેરાત
આ પણ વાંચો: સુરતમાં 65 લાખની જમીન છેતરપિંડીનો પર્દાફાશ, બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટ વેચનાર બે આરોપી ઝડપાયા
