Gujarat News/ ડેન્ગ્યૂ, મલેરિયા, વાઇરલના 10,000થી વધુ કેસ,20થી વધુ મોત,હોસ્પિટલોમાં લાઇનો

પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે એડિસ મચ્છરો વધતાં ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસો વધ્યો છે

Top Stories Gujarat

Gujarat News : ગત 26 ઓગસ્ટથી 4 દિવસ પડેલા ભારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યાં હતાં, પરંતુ છેલ્લા 10-12 દિવસથી તડકો પડી રહ્યો હોવાથી મચ્છરોની ઉત્પત્તિ વધી છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને હોસ્પિટલોમાં લાઇનો લાગી છે.હાલ ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. વરસાદમાં ચોતરફ પાણી, પૂર, બિસ્માર રોડ, ભૂવા બાદ હવે રોગચાળો વકરતાં જાણે કે તંત્ર પણ ‘બીમાર’ પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં વાઇરલ ઇન્ફેક્શન, ઝાડા-ઊલટી, ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. એક અંદાજ મુજબ વિવિધ બીમારીઓના 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અહીં એક વાત સ્પષ્ટ કરવી જરૂરી બને છે કે આ આંકડો માત્ર શહેરની સરકારી હોસ્પિટલો પૂરતો જ સીમિત છે. જો એમાં ખાનગી હોસ્પિટલો, ખાનગી ક્લિનિક સહિત અન્ય સરકારી દવાખાનાંમાં નોંધાયેલા કેસના આંકડા ઉમેરવામાં આવે તો આ આંકડો ચિંતા ઊપજાવે એવો હોઈ શકે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ ભેજયુક્ત વાતાવરણને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. એવામાં સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં મચ્છરજન્ય રોગ, વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ડેન્ગ્યૂ, મલેરિયાના કેસમાં મોટો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ચિકનગુનિયાના કેસ પણ સમગ્ર વર્ષની સરખામણીમાં ગત 15 દિવસમાં વધ્યા છે. 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક

ભેજયુક્ત અને વાદળછાયું વાતાવરણ રહેતાં ઠંડી અને ગરમી એમ બંને ઋતુનો અનુભવ થતાં વાઇરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે.સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં વાઇરલ ઇન્ફેક્શનના 4,171 કેસ નોંધાયા હતા, જેમાંથી ગત 2 સપ્તાહ દરમિયાન દર એક સપ્તાહમાં 2000થી વધુ વાઇરલ ઇન્ફેક્શનના કેસો ઓપીડી ખાતે નોંધાયા હતા. તદુપરાંત ઝાડા-ઊલટીના 42, ટાઈફોઇડના 11 અને કમળાના 24 દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, એટલે કે હાલમાં પાણીજન્ય રોગ કરતાં મચ્છરજન્ય રોગચાળો વધારે ફેલાયેલો છે.15 દિવસમાં સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનાં લક્ષણો સાથે 78 દર્દી સારવાર અર્થે આવ્યા હતા, જેમાંથી 10 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ડેન્ગ્યૂના 1,337 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 268 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મલેરિયાનાં 1,822 સેમ્પલમાંથી 62 તથા ચિકનગુનિયાના 124 સેમ્પલમાંથી 20 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અમદાવાદમાં ઓગસ્ટમાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા હતા ત્યારે સપ્ટેમ્બર મહિનામાં 17 તારીખ સુધીમાં જ 190 કેસ નોંધાયા છે, એટલે કે ડેન્ગ્યૂના કેસમાં 25 ટકાનો વધારો થયો છે, જ્યારે મલેરિયા અને ઝેરી મલેરિયાના ઓગસ્ટમાં 121 કેસ નોંધાયા હતા, જ્યારે 17 સપ્ટેમ્બર સુધીમાં 62 કેસ નોંધાયા છે. ગત મહિને વાઇરલ ઇન્ફેક્શનના 962 કેસ નોંધાયા હતા, જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 350 કેસ નોંધાયા છે, એટલે કે કેસમાં ઘટાડો નોંધાયો છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 40 કેસ નોંધાયા હતા, જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 17 કેસ નોંધાયા છે. કમળાના ઓગસ્ટમાં 245 કેસ હતા, જેની સામે 17 સપ્ટેમ્બર સુધીમાં 121 કેસ નોંધાયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે વરસાદ ઓછો થયો છે, પરંતુ હજુ પણ ભેજવાળું વાતાવરણ છે, જેના કારણે મચ્છરજન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે. લોકોએ મચ્છર ના કરડે એ બાબતની કાળજી રાખવી જોઈએ. શહેરમાં ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 15 દિવસમાં મ્યુનિ. સંચાલિત હોસ્પિટલમાં ડેન્ગ્યૂના 550થી વધુ અને સાદા અલેરિયાના 150થી વધુ કેસો નોંધાયા છે, જ્યારે ઝેરી અલેરિયાના 20થી વધુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂ અને મલેરિયાની સાથે ઝાડા-ઊલટી તેમજ ટાઈફોઇડના કેસોમાં પણ વધારો થયો છે. પાણીજન્ય રોગચાળામાં ટાઈફોઇડ અને ઝાડા-ઊલટીના 200થી વધુ કેસો નોંધાયા છે. ડેન્ગ્યૂના કેસો વધવાનું મુખ્ય કારણ કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભરાયેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે એડિસ મચ્છરો વધતાં ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસો વધ્યો છે.

AMC આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે. પાણીજન્ય કેસોના વધારાનું મુખ્ય કારણ પ્રદૂષિત પાણી અને બહારના ખાવાને કારણે થતું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં ચાલુ સપ્તાહે વધુ 29 ડેન્ગ્યૂના કેસો સામે આવતાં એક માસમાં કુલ 100 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત ટાઇફોઇડ, તાવના 5 તેમજ કમળાના 2 દર્દી સામે આવ્યા છે. તો વિવિધ રોગોના અગાઉના 1968 સામે ચાલુ સપ્તાહે 2376 કેસ નોંધાયા છે, જેમાં શરદી- ઉધરસના સૌથી વધુ 1239 દર્દી નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોના છે. ત્યારે નાનાં-મોટાં ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે 10,000થી વધુ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી.

પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઊમટી પડતાં લાંબી કતારો જોવા મળી રહી છે. મનપાના ચોપડે વિવિધ રોગોના ગત સપ્તાહના 1968 સામે આ સપ્તાહે 2376 કેસ નોંધાયા હતા, જેમાં શરદી- ઉધરસના ગત સપ્તાહના 942 કેસ સામે આ સપ્તાહે 1239 કેસ, ઝાડા-ઊલટીના 349 સામે 359 કેસ અને સામાન્ય તાવના પણ 645 સામે 739 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના 29 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ટાઈફોઇડ તાવના 5 તેમજ મલેરિયા 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. તો ટાઇફોઇડના 5 અને કમળાના 2 દર્દીઓ સામે આવતાં આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, હાલ વરસાદી માહોલ હોવાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણી પીવું જોઈઓ અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટર્સની સલાહ લઈ એ મુજબની દવા કરવી જરૂરી છે.

આ સાથે રોગચાળાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. 56 મલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલન્ટિયર્સ દ્વારા તા. 09 સપ્ટેમ્બરથી તા. 15 સપ્ટેમ્બર વચ્ચે 94,357 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 5,059 ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છ. સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કામગીરી કરવામાં આવે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પત્તિ સંબંધિત બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 439 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાકમાં 345 તો કોર્મશિયલમાં કુલ 104 આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 36,700 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરમાં વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે. ખાસ કરીને ડેન્ગ્યૂ, મલેરિયાના દર્દીઓ સામે આવી રહ્યા છે. હાલ સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, મલેરિયા, કોલેરા સહિતના કેસોનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે સિઝનમાં સૌથી વઘુ સપ્ટેમ્બરમાં છેલ્લા 14 દિવસમાં 68 કેસ ડેન્ગ્યૂના, 05 કેસ ચિકનગુનિયાના, 22 કેસ મલેરિયાના અને 03 કેસ કોલેરાના નોંધાયા છે, જ્યારે ઝાડા-ઊલટીના હજારો કેસ સામે આવી રહ્યા છે.

વડોદરા શહેરમાંથી ડેન્ગ્યૂના કેસો જે વિસ્તારમાંથી સામે આવ્યા છે એમાં ખાસ કરીને ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, સુભાનપુરા, તરસાલી, કિશનવાડી, અકોટા, રામદેવનગર, યમુના મિલ, ફતેગંજ, ફતેપુરા, આદર્શનગર, શિયાબાગ, એકતાનગર, મુજમોહૂડા, દિવાળીપુરા, વારસિયા, માણેજા, તાંદલજા, વડસર, હરણી, બાપોદ, સમા, ગોરવા, પાણીગેટ, ગોકુલનગર જેવા વિસ્તારોમાં આવા કેસો સામે આવ્યા છે. જ્યારે મલેરિયાના પણ મોટા ભાગના કેસો આ વિસ્તારોમાંથી સામે આવ્યા છે.વડોદરા મહાનગરપાલિકાની કુલ 101 ટીમ દ્વારા 174 વિસ્તારની મુલાકાત લઈને 15,086 ઘર તપાસીને 8,578 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. 28,807 પાત્રની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. જ્યારે 1 કન્સ્ટ્રકશન સાઈટ ચકાસી છે, જેમાં આજ દિન સુધીમાં કુલ 294માં નોટિસ પાઠવી છે તેમજ 109 સ્કૂલ-હોસ્ટેલને નોટિસ આપી છે.

સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યૂ, મલેરિયા, તાવના દર્દીઓથી ઊભરાઈ છે. શહેરમાં ડેન્ગ્યૂ, મલેરિયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 17 દિવસમાં ડેન્ગ્યૂ, તાવ અને ઝાડા-ઊલટીના કારણે 9 મહિનાના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ સહિત 20 લોકો મોતને ભેટ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગિશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 750થી વધુની OPD હોય છે, જેમાં રોજના 10થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે. છેલ્લા 15 દિવસમાં 29 દર્દીને ડેન્ગ્યૂ, 26 દર્દીને મલેરિયા થયો હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં ડેન્ગ્યૂએ એક મહિલા ડોક્ટરનો ભોગ લીધો છે. તેમને છેલ્લા 5 દિવસથી તાવ આવતો હતો અને માત્ર 6 કલાકમાં જ તબિયત વધુ બગડતાં આખરે મોત નીપજ્યું હતું. મોત બાદ આરોગ્ય વિભાગે ચેકિંગ કરતાં ડોક્ટરની હોસ્ટેલમાં ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ, દારૂની ખાલી બોટલો મળી હતી. મૃતક ડો. ધારા ચાવડા પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને એનેસ્થેસિયાનો પ્રથમ વર્ષનો અભ્યાસ કરતાં હતાં.​


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ