ચેતવણી/ આધુનિક ઉપકરણોનો વધુ વપરાશ પરિણામ સ્ક્રીન એડિક્શન

બાળકો, યુવાનો, વડીલો આ બિમારીથી પીડાય છે પરંતુ તેમને ખબર નથી કે પોતે સ્ક્રીન એડીક્શનના સકંજામાં છે

Gujarat
screen addiction આધુનિક ઉપકરણોનો વધુ વપરાશ પરિણામ સ્ક્રીન એડિક્શન

બાળકોમાં મોબાઇલ ફોન, ટીવી, અને સોશ્યલ મીડિયાના વધતા જતા ઉપયોગના કારણે તેની શારીરિક અને માનસિક સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે. જેને આપણે સ્ક્રીન એડિક્શન તરીકે ઓળખીએ છીએ.

મહાનગરોની વાત કરીએ તો એક સર્વે પ્રમાણે વડોદરા જેવા મહાનગરમાં ૧૬ વર્ષની ઉંમરના ૪૫ હજારથી પણ વધુ બાળકો સ્ક્રીન એડિકશનથી પીડાય છે. જ્યારે પાંચથી પંદર વર્ષની ઉંમરના ૨૦થી૨૫ હજાર જેટલા બાળકો છે. અમદાવાદમાં તો ૫થી૧૬ વર્ષની ઉંમરના ૪૫થી૫૦ હજાર જેટલા બાળકો સ્ક્રીન એડિક્શનનો ભોગ બન્યાનો અંદાજા છે. અન્ય મહાનગરોમાં પણ આ સંખ્યા વધુ છે. જ્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો આ આંકડો ચાર કરોડથી પણ વધારે હોવાનું મનાય છે.

એક ન્યૂરો-ઇમેજિંગ અભ્યાસમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે બાળકોમાં સ્ક્રીન એડિક્શનથી વિવિધ પ્રકારના સંજ્ઞાનાત્મક દોષ થઇ શકે છે. એટલુ જ નહી સ્ક્રીન એડિક્શનથી બાળકોમાં ઓસ્ટિન સ્પ્રેક્ટ્રમ વિકાર(એએસડી) થવાનો પણ ભય રહેલો છે. એએસડીના લક્ષણ વાળા બાળકો ફ્કત આઇપેડ પરના પ્રતિબિંબો પર જ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે છે જેનાથી સ્પષ્ટ થાય છે કે તે બાળકો સ્ક્રીન એડિક્શનની લપેટમાં છે આ વીશે વાત કરતા અમદાવાદના એમડી સાયક્રીયાટ્રી અને મેન્ટલ હોસ્પિટલના વિઝીટીંગ ડો. રમાશંકર યાદવ  કહે છે કે, “બાળક કોઇ પણ વસ્તુ મોબાઇલ પર જોતા હોય છે તેમાં તેમને મજા આવે છે અને પ્લેઝર મળતુ હોય છે. જેના કારણે તે પોતાની ધુનમાં રહેતો થઇ જાય છે, એટલુ જ નહી યુવાન હોય કે મોટી વ્યક્તિ હોય તે પણ કોઇની સાથે વાત કરી માથાકુટ કરવાની જગ્યાએ મોબાઇલ લઇ પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું વિચારતી હોય છે. આ બધા કારણોથી તેમની પર્સનાલીટી સ્ટ્રકચરમાં ચેન્જ આવવા લાગે. બાળકોમાં તો ચેન્જ જોવા મળે જ છે પરંતુ યુવાનો, અને કોઇ પણ ઉંમરના લોકોમાં આ ફેરફાર જોવા મળતા હોય છે.

સ્ક્રીન એડીક્શન જેવી પણ બિમારી હોય છે તે વાત કદાચ લોકોને વિચારતા કરી મુકે છે પરંતુ હકીકતમાં એવા બાળકો, યુવાનો અને વડીલો છે જે આ બિમારીથી પીડાતા હોય છે છતા તેમને ખબર નથી હોતી કે પોતે સ્ક્રીન એડીક્શનના સકંજામાં છે.