myanmar news/ ભારતના પાડોશી દેશમાં ભૂંકપનો કહેર! એક અઠવાડિયામાં 5 વાર ધ્રૂજી ધરતી, લોકોમાં ભારે ફફડાટ

ભારતના પડોશી દેશ મ્યાનમારમાં છેલ્લા 1 અઠવાડિયામાં સતત ભૂકંપ (Earthquake) આવી રહ્યા છે. 3.9 થી 5.3 ની તીવ્રતાના આંચકાથી યાંગૂન સહિતના શહેરોમાં ભયનો માહોલ છે.

Top Stories World
Myanmar Earthquake 2026

Myanmar Earthquake 2026 : ભારતના પડોશી દેશ મ્યાનમારમાં છેલ્લા એક અઠવાડિયાથી ધરતી સતત ધ્રૂજી રહી છે. ભૂકંપના એક પછી એક આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) મુજબ, શનિવારે સવારે પણ મ્યાનમારમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

Myanmar Earthquake 2026

એક અઠવાડિયામાં ભૂકંપની ઝડી

મ્યાનમારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપની શ્રેણી શરૂ થઈ છે, જેમાં આ અઠવાડિયે અલગ-અલગ તીવ્રતાના અનેક આંચકાઓ અનુભવાયા છે. આ શ્રેણીમાં સૌથી ખતરનાક આંચકો 3 ફેબ્રુઆરીના રોજ નોંધાયો હતો, જેની તીવ્રતા 5.3 હતી અને તે જમીનથી માત્ર 20 કિમીની ઊંડાઈએ હોવાથી વધુ જોખમી સાબિત થયો હતો. આ ઉપરાંત, 2 ફેબ્રુઆરીએ 4.5ની તીવ્રતા (115 કિમી ઊંડાઈ), 6 ફેબ્રુઆરી શુક્રવારના રોજ 4.9ની તીવ્રતા (96 કિમી ઊંડાઈ) અને આજે 7 ફેબ્રુઆરી શનિવારના રોજ 3.9ની તીવ્રતાનો ભૂકંપ 85 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો.

કેમ વારંવાર આવી રહ્યા છે ભૂકંપ?

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે મ્યાનમાર ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે. તે મુખ્યત્વે 4 ટેક્ટોનિક પ્લેટ્સ (ભારતીય, યુરેશિયન, સુંડા અને બર્મા પ્લેટ્સ) ની વચ્ચે ફસાયેલું છે. મ્યાનમારમાંથી 1400 કિમી લાંબી ‘સાગિંગ ફોલ્ટ’ લાઈન પસાર થાય છે, જેના કારણે અહીં ધરતીમાં સતત હલચલ જોવા મળે છે.

Myanmar Earthquake : મોટી તબાહીનો ખતરો

મ્યાનમારના યાંગૂન, માંડલે અને બાગો જેવા મોટા શહેરો ભૂકંપના ડેન્જર ઝોનમાં છે. દેશની 46% વસ્તી આ સંવેદનશીલ વિસ્તારોમાં રહે છે. વારંવાર આવતા આંચકાઓને કારણે લોકો રાત-રાત સુધી ઊંઘી શકતા નથી અને ઘર છોડીને સુરક્ષિત સ્થાને જવા મજબૂર બન્યા છે.

ભારત પર શું અસર થઈ?

મ્યાનમારમાં આવેલા આ ભૂકંપની અસર ભારતના પૂર્વોત્તર રાજ્યો (North-East India) અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ અનુભવાઈ છે. જોકે, હજુ સુધી કોઈ મોટા જાન-માલના નુકસાનના અહેવાલ નથી.

ભૂકંપ સમયે શું સાવચેતી રાખવી?

1. ડ્રોપ, કવર અને હોલ્ડ: ધ્રુજારી શરૂ થાય કે તરત જ જમીન પર બેસી જાઓ અને મજબૂત ટેબલ નીચે આશરો લો. 2. કાચથી દૂર રહો: બારીઓ, અરીસા કે કાચની વસ્તુઓથી દૂર રહો.3. બહાર ન ભાગો: જો તમે ઇમારતની અંદર હોવ તો અંદર જ રહો, બહાર દોડતી વખતે પડતી વસ્તુઓથી ઇજા થઈ શકે છે. 4. લિફ્ટનો ઉપયોગ ટાળો: ભૂકંપ સમયે ક્યારેય લિફ્ટનો ઉપયોગ ન કરવો. 5. ખુલ્લા મેદાનમાં જાઓ: જો તમે બહાર હોવ તો ઇમારતો, વૃક્ષો અને વીજળીના થાંભલાથી દૂર ખુલ્લા મેદાનમાં જતા રહો.


આ પણ વાંચો : કચ્છના ખાવડા નજીક મોડી રાત્રે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : કચ્છની ધીંગી ધરા ફરી ધણધણી ઉઠી, રાપરમાં વહેલી સવારે 2.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ પણ વાંચો : ઉતરાયણના દિવસે જ ગુજરાતની ધરા ધ્રુજી, અમરેલી અને વાંસદામાં ભૂકંપના આંચકા