Banaskantha News/ સાંચોર-થરાદ હાઇવે પર મોતની ટક્કર, ગામમાં શોકની લહેર

બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં ફરી એક વાર માર્ગ અકસ્માતે બે પરિવારોમાં કાળની કાળી છાયા પાથરી દીધી છે.સાંચોર-થરાદ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત અને એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.

Gujarat Others
Banaskantha

Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. આજે 7 ફેબ્રુઆરીના રોજ સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર એક ગંભીર અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિલુડા ગામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

Banaskantha: માતાજીના પ્રસંગમાં જતા હતા 3 લોકો

મળતી માહિતી મુજબ, પિલુડા ગામના ત્રણ વ્યક્તિઓ રાત્રિના સમયે એક બાઇક પર સવાર થઈને માતાજીના પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકસવાર ત્રણેય વ્યક્તિઓ હવામાં ફંગોળાઈ ગયા હતા અને રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં ભાણજીભાઈ અને નાગજીભાઈ નામના બે વ્યક્તિઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભાણજીભાઈ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના અકાળે અવસાનથી વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બીજી તરફ નાગજીભાઈ તેમના પરિવારના ઘરના મોભી હતા. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે, જે હવે પિતાના અવસાનથી નોધારા બની ગયા છે.

Banaskantha accident
Banaskantha: ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આ અકસ્માતમાં બાઇક પર સવાર અન્ય એક યુવક પટેલ દિનેશને ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની હોસ્પિટલમાં ખસેડ્યા છે. તેમજ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક જ ગામના બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી પિલુડા ગામ અને આંજણા પટેલ સમાજમાં શોકની લહેર દોડી ગઈ છે. માતાજીના પ્રસંગે ખુશીઓ મનાવવાની હતી, પરંતુ હવે ત્યાં શોક, આક્રંદ અને આંસુઓનો માહોલ છવાઈ ગયો છે.

Banaskantha: કારનો ભયાનક અકસ્માત થયો

આ સાથે જ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ટાવર ચાર રસ્તા નજીક એક વૈભવી કારનો ભયાનક અકસ્માત થયો છે. રેન્જ રોવર કારના ચાલકે બેફામ રીતે કાર ચલાવતા ડિવાઇડર કૂદી ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એક ટાયર બહાર નીકળી ગયું અને એરબેગ પણ ખૂલી ગઈ હતી. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો:બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું કરુણ મોત

આ પણ વાંચો:બનાસકાંઠામાં દૂધના ટેન્કર અને આઈસર વચ્ચે ભીષણ અકસ્માત, ચાલકનું કમકમાટીભર્યું મોત

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભાભર પોલીસની કારને નડ્યો અકસ્માત, રીક્ષા ચાલક સહિત 5ને ઈજા