Tech News/ 54 વર્ષ બાદ ચંદ્રની સફરે 4 માનવી, નાસાનું આર્ટેમિસ-2 મિશન સફળતાપૂર્વક લોન્ચ; જાણો સંપૂર્ણ વિગતો

NASAએ 54 વર્ષ બાદ ફરી માનવીને ચંદ્રની સફરે મોકલ્યા છે. ‘આર્ટેમિસ-2’ મિશન સફળતાપૂર્વક લોન્ચ થયું છે. 4 અંતરિક્ષ યાત્રીઓ 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ રહીને પૃથ્વી પર પરત ફરશે. વાંચો ખાસ અહેવાલ.

Uncategorized
NASA

NASA Artemis-2 Mission Launch 2026: અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આજે 2 એપ્રિલ, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ તેનું અત્યંત મહત્વાકાંક્ષી અને શક્તિશાળી મૂન મિશન ‘આર્ટેમિસ-2’ (Artemis-2) સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી વહેલી સવારે 4:05 વાગ્યે ગગનભેદી ગર્જના સાથે ‘સ્પેસ લોન્ચ સિસ્ટમ’ (SLS) રોકેટે ઓરિયન સ્પેસક્રાફ્ટને લઈને ચંદ્ર તરફ ઉડાન ભરી હતી.

NASA

અપોલો મિશનના 54 વર્ષ બાદ ફરી ઈતિહાસ રચાયો

વર્ષ 1972માં ‘અપોલો-17’ મિશન બાદ માનવજાત ફરી એકવાર ચંદ્રના ઉંબરે પહોંચી છે. પૂરા 54 વર્ષ પછી નાસા (NASA) એ 4 અંતરિક્ષ યાત્રીઓને ચંદ્રની સફરે મોકલ્યા છે. આ મિશનમાં જે 4 હીરો અવકાશમાં ગયા છે તેમના નામ છે:

રીડ વાઈસમેન (કમાન્ડર)

વિક્ટર ગ્લોવર (પાયલોટ)

ક્રિસ્ટીના કોચ (મિશન સ્પેશિયાલિસ્ટ)

જેરેમી હેનસેન (મિશન સ્પેશિયાલિસ્ટ)

આ 10 દિવસીય મિશન દરમિયાન આ ચારેય અંતરિક્ષ યાત્રીઓ ચંદ્રની સપાટી પર ઉતરશે નહીં, પરંતુ ચંદ્રની આસપાસ ચક્કર લગાવીને તેની ભૌગોલિક સ્થિતિ અને અવકાશમાં માનવ જીવન ટકાવી રાખવાની ક્ષમતાની તપાસ કરશે.

લોન્ચિંગ પહેલાનો એ હાઈ-વોલ્ટેજ ડ્રામા

લોન્ચિંગના માત્ર 60 મિનિટ પહેલા વૈજ્ઞાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રોકેટની ‘લોન્ચ એબોર્ટ સિસ્ટમ’ (Launch Abort System) માં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ એક એવી સુરક્ષા સિસ્ટમ છે જે ઈમરજન્સીના સમયે મુસાફરોને બચાવે છે. જોકે, નાસાના (NASA) બાહોશ એન્જિનિયરોએ યુદ્ધના ધોરણે આ ખામી સુધારી લીધી અને માત્ર 10 મિનિટના વિલંબ સાથે મિશન રવાના થયું.

NASAના આગામી મિશનનો રોડમેપ: ક્યારે મૂકાશે ચંદ્ર પર કદમ?

આર્ટેમિસ-2 એ નાસાના (NASA) ભવિષ્યના મંગળ મિશન અને ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવા માટેનો પાયો છે.

2027 (આર્ટેમિસ-3): આ મિશનમાં ડોકિંગ સિસ્ટમની ચકાસણી કરવામાં આવશે.

2028 (આર્ટેમિસ-4): જો બધું પ્લાન મુજબ રહ્યું, તો વર્ષ 2028 માં માનવી ફરી એકવાર ચંદ્રની ધરતી પર પોતાનો પગ મૂકશે.

અગાઉ 2022માં મોકલેલા માનવરહિત ‘આર્ટેમિસ-1‘ ના અનુભવો અને ડેટાના આધારે આ મિશનમાં અનેક અત્યાધુનિક સુધારા કરવામાં આવ્યા છે. ઓરિયન સ્પેસક્રાફ્ટમાં અત્યારે લાઈફ સપોર્ટ સિસ્ટમની જીવંત ચકાસણી કરવામાં આવી રહી છે, જે આગામી પેઢીના અવકાશ વિજ્ઞાન માટે ગેમ-ચેન્જર સાબિત થશે.


આ પણ વાંચો: ચંદ્ર પર ફરી જશે માનવી! આર્ટિમિસ-2 મિશનમાં પ્રથમ મહિલા અને અશ્વેત અવકાશયાત્રી રચશે ઈતિહાસ

આ પણ વાંચો: NASAની ચેતવણી ‘પૃથ્વી પર થશે જોરદાર વિસ્ફોટ, સમુદ્રમાં સર્જાઈ શકે છે ભયંકર તોફાન’

આ પણ વાંચો:Nasaની અદ્ભૂત યોજના, ચંદ્ર પર ઘરો ઇંટો અને પથ્થરોથી નહીં પણ મશરૂમ્સથી બનાવવામાં આવશે