Banaskantha News/ બનાસકાંઠામાં ધોળા દિવસે 2 બાળાઓનું ફિલ્મી ઢબે અપહરણ, સમગ્ર જિલ્લામાં નાકાબંધી

Banaskanthaના ધાનેરામાં રમી રહેલી બે માસૂમ બાળાઓનું ઇકો ગાડીમાં અપહરણ થતા ખળભળાટ. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી તપાસ તેજ કરી છે.

Top Stories Gujarat Others
Banaskantha Kidnapping News

Banaskantha Kidnapping News: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એક ગામમાં આજે ધોળા દિવસે બનેલી અપહરણની ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. શાળાએથી ઘરે આવ્યા બાદ ખેતર નજીક રમી રહેલી ધોરણ-8માં અભ્યાસ કરતી બે માસૂમ બાળાઓને અજાણ્યા શખ્સો ઇકો ગાડીમાં ઉપાડી ગયા હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે જિલ્લાભરમાં હાઈએલર્ટ જાહેર કરી નાકાબંધી કરી દેવામાં આવી છે.

કુલ્ફીવાળો આવ્યો હોવાનું સમજી બાળાઓ દોડી અને…

મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં બની હતી. ચાર બાળાઓ શાળાએથી છૂટીને આવ્યા બાદ પોતાના ખેતર નજીક રમી રહી હતી. આ દરમિયાન રોડ પરથી કોઈ વાહન પસાર થવાનો અવાજ આવતા બાળાઓને લાગ્યું કે કોઈ કુલ્ફી કે બરફ વેચવા વાળો આવ્યો હશે. નાના બાળકોની સહજ જિજ્ઞાસા સાથે ચારેય બાળાઓ રોડ તરફ દોડી ગઈ હતી.

પરંતુ ત્યાં કુલ્ફીવાળો નહીં પણ કાળમુખી ઇકો ગાડી ઉભી હતી. ગાડીમાં સવાર અજાણ્યા શખ્સોએ જોતજોતામાં બે માસૂમ બાળાઓને બળજબરીપૂર્વક ગાડીમાં ખેંચી લીધી હતી અને પળવારમાં જ ગાડી પૂરપાટ ઝડપે ચારડા તરફ હંકારી મૂકી હતી. બાકીની બે બાળાઓ આ જોઈને ડરી ગઈ હતી અને તાત્કાલિક પરિવારને જાણ કરી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, જિલ્લાભરમાં નાકાબંધી

ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે રોષ અને દહેશત જોવા મળી રહી છે. ઇન્ચાર્જ પી.આઈ. બારડ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. પોલીસ દ્વારા બનાસકાંઠાના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ અને હાઈવે પર નાકાબંધી કરી દેવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV) ચકાસવામાં આવી રહ્યા છે જેથી શંકાસ્પદ ઇકો ગાડીનો સગડ મેળવી શકાય.

Banaskantha : કાયદો અને વ્યવસ્થા સામે સવાલ

ધાનેરા પંથકમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે તાજેતરમાં જ ધાનેરા પી.આઈ.ની બદલી થતા ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પોલીસ તંત્રએ જનતાને અપીલ કરી છે કે જો કોઈને પણ શંકાસ્પદ ઇકો ગાડી દેખાય તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરે.


આ પણ વાંચો: બનાસકાંઠામાં સમગ્ર દેશનું સૌપ્રથમ ગાય સંવર્ધન કેન્દ્ર સ્થપાયું

આ પણ વાંચો: બનાસકાંઠામાં 12માના ધોરણની પરીક્ષા આપવા જતાં બે વિદ્યાર્થીને ટેન્કરે કચડ્યા

આ પણ વાંચો: બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ, બટાકા અને પાકને નુકસાનની ભીતિ