યુપીના અલ્હાબાદ શહેરનું નામ બદલાવાયા બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે બિહાર અને દેશભરમાં મુગલો સાથે જોડાયેલા શહેરોના નામ બદલવાની માંગ કરી છે. ગિરિરાજ સિંહે કહ્યું કે, બિહારના ઘણા શહેરોના નામ બદલવાની જરૂર છે.
નિવેદનોના કારણે વિવાદોમાં રહેતા ગિરિરાજ સિંહે અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના યોગીના ફેંસલાનું સ્વાગત કરતા કહ્યું કે, આવી જ રીતે બિહારના બખ્તિયારપુરનું નામ પણ બદલી નાખવું જોઈએ.
ગિરિરાજ સિંહે પટનામાં કહ્યું કે, ઘુષણખોરોએ આપણા શહેરોના નામ બદલ્યા હતા. પરંતુ આ સમયે અમે સત્તામાં આવ્યા છીએ, તો એ નામોને બદલી રહ્યા છીએ. એમણે જણાવ્યું કે, ખિલજીએ બિહાર લુંટ્યું હતું. આજે બિહારના બખ્તિયારપુરથી લઈને ઘણા શહેરના નામ એમના નામ પર છે.
આ પહેલા પણ ભાજપ સાંસદે કહ્યું હતું કે, ભારતના લોકો રામના વંશજો છે, નહિ કે મુગલોના. એમણે કહ્યું હતું કે, મુસલમાનોની સાથે મળીને રામમંદિર બનવવામાં આવશે.