સીબીઆઈનાં ડાયરેક્ટર આલોક વર્મા પાસેથી એમનું કામ ખેંચી લેવાનાં મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. આ પહેલાં કોર્ટમાં 29 નવેમ્બરે સુનવણી થઇ હતી જેમાં સરકારે ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાનાં નિર્ણયને યોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો અને એ દિવસે પણ એમને કોર્ટ તરફથી કોઈ રાહત મળી ન હતી.
જોકે, આજે થયેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ કેસની વધારે સુનાવણી ગુરુવારે સવારે કરવામાં આવશે. ગુરુવારે કોર્ટ સવારે પહેલા કેસ રૂપે સીબીઆઈ કેસની સુનાવણી કરશે.
સરકાર તરફથી કોર્ટમાં અગાઉની સુનવણીમાં એવી દલીલ રજુ કરવામાં આવી હતી કે, એમની પહેલી ચિંતા એ છે કે સીબીઆઈ પર દેશનાં લોકોનો ભરોસો કાયમ રહે. જે રીતે તપાસ એજન્સીનાં બે સીનીયર ઓફિસર એક બીજા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા એનાથી લોકોમાં ખોટો સંદેશો પ્રવર્તી રહ્યો છે. એટલે સરકારે સાર્વજનિક હિત માટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે જેથી સીબીઆઈ પર લોકનો વિશ્વાસ જળવાઈ રહે.
