કોચ્ચિ,
દેશમાં હવે ટુંક જ સમયમાં વોટર મેટ્રોની સવારી કરી શકશો. ડિસેમ્બર, ૨૦૧૯માં કેરળમાં આ સેવા શરુ થઇ શકે છે. આ પ્રોજેક્ટ જર્મનીની મદદથી તૈયાર થશે અને આ માટે કુલ ૮૧૯ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.
કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડ દ્વારા આ પહેલા એપ્રિલમાં ચલાવવાની યોજના બનાવી હતી પરંતુ ત્યારબાદ હવે તેને ઓકટોબર સુધી ટાળવામાં આવ્યું છે.

મેટ્રો એજન્સી એક ઈન્ટીગ્રેટેડ વોટર ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ શરુ કરી રહી છે, અને આ માટે જાન્યુઆરી સુધીમાં ટેન્ડર આપી દેવામાં આવશે.
કોચ્ચિ મેટ્રો રેલ લિમિટેડ (KMRL)ના ડાયરેક્ટટર મોહમ્મદ હેનિશે કહ્યું હતું કે, જર્મનીના રાજદૂત પ્રોજેક્ટની પ્રગતિ જોઇને ખુબ ખુશ છે. ભૂમિ અધિગ્રહણનું કામ પણ ખુબ ઝડપથી શરુ થઇ ગયું છે”.

વર્તમાન યોજના મુજબ, આ પ્રોજેક્ટમાં બે પ્રકારની બોટ હશે અને તેને ફાઈબર રેનફોર્સ્ડ પ્લાસ્ટિકથી બનાવવામાં આવશે. આ બોટ ઇકોફ્રેન્ડલી હશે અને બેટરીથી સંચાલિત હશે.
KMRL દ્વારા ચાર કંપનીઓ પાસે આ બોટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ બોટ એક દ્વીપથી બીજા દ્વીપ સુધી ચાલશે અને ૭૬ કિમીના એરિયામાં ૧૫ રૂટ પર બોટ ચાલશે.
