અમદાવાદ,
નેશનલ મેડીકલ કમિશન બનાવવા મામલે સરકારે આપેલા પ્રસ્તાવો વિરૂધ્ધ આજે ઇંડિયન મેડીકલ એસોસિએશન સાથે જોડાયેલાં દેશભરનાં 3 લાખ ડોક્ટરોએ હડતાળ શરૂ કરી હતી. ગુજરાતમાં ગાંધીનગરમાં એનએમસી બિલનો વિરોધ કરવા એમબીબીએસના વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા.આ સ્ટુડન્ટ્સે કાળા કપડાં પહેરીને એનએમસી બિલનો વિરોધ કર્યો હતો.
એનએમસીના બિલનો તબીબો આજે ‘બ્લેક ડે’ ઉજવીને વિરોધ કરે છે.
રાજ્યભરના 25 હજાર જેટલાં તબીબો હડતાળ પર જતાં દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.
બીજી તરફ એનએમસી બિલના વિરોધ વચ્ચે સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, આ બિલ સરકાર લાવશે. સૌની સહમતિ પછી આ બિલ સરકાર લાવી હતી અને હવે પાછી નહીં હટે.
એનએમસી બિલમાં જોગવાઇ પ્રમાણે મેડીકલ એસોસિએશન ઓફ ઇંડિયાને બદલે કોઇ બીજા એસોસિએશનની રચના થઇ શકે છે. બિલમાં બીજો પ્રસ્તાવ એવો છે કે, વૈકલ્પિક ચિકિત્સામાં ગ્રેજ્યુએટ થયેલાં બ્રીજ કોર્સ કર્યા પછી એલોપથીની પણ પ્રેક્ટીસ કરી શકે છે.
આઈએમએ તરફથી 12 કલાક સુધી રોજબરોજની ચિકિત્સા સેવાઓ બંધ રાખવાના આહ્વાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોને સ્વાસ્થ્ય સેવાઓ અને ઈમરજન્સી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
