દિલ્હી,
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી સરકારના ત્રણ મંત્રીઓ સાથે ઉપરાજ્યપાલના આવાસ પર ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના છઠ્ઠા દિવસ શનિવારે કેજરીવાલે આપેલા એક ઈન્ટરવ્યુમાં શીલા દિક્ષિત દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કર્યું છે. કેજરીવાલે કહ્યું કે એમની પાસે શીલા દીક્ષિતના 10 ટકા પણ સત્તા નથી. ત્યારબાદ એમણે પીએમ મોદી પાસે વધારે સત્તા આપવાની માંગ કરી હતી.
ઉપવાસને લઈને કેજરીવાલે કહ્યું કે હું, મારા ત્રણ નેતાઓ સાથે છેલ્લા છ દિવસથી અહી છું. આ અમારા માટે ખુશીની વાત નથી. અમે આનો આનંદ નથી લઇ રહ્યા. અમારે મજબુરીમાં આ પગલું લેવું પડ્યું છે. ત્યારબાદ એમણે અધિકારીઓની બેજવાબદારી ગણાવી. એમણે કહ્યું કે જયારે અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવે છે તો તેઓ જવાબ આપતા નથી.

એમને સવાલ કરવામાં આવ્યો કે કોંગ્રેસનું સમર્થન ના મળવા પર તેઓ નારાજ તો નથીને?, કેજરીવાલે કહ્યુ કે હું બધા વિપક્ષી દળો, એમના નેતાઓ અને મુખ્યમંત્રીઓનો આભાર માનું છું. હડતાલના કારણે શાસન પ્રક્રિયા રોકાઈ જવા પર કેજરીવાલે કહ્યું કે અમે આ સ્થિતિને ખતમ કરવા માંગીએ છીએ. હું વ્યક્તિગત રીતે એલજીને છેલ્લા 3 મહિનામાં 4 વાર મળ્યો છું. મનીશ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન બધાએ વ્યક્તિગત મુલાકાત કરી હતી. તેઓ હમેશા આશ્વાશન આપે છે કે એક અઠવાડિયામાં બધું ખતમ થઇ જશે, જે ક્યારે થયું જ નહિ.
એમણે વારંવાર કહ્યું હતું કે શાસન પ્રણાલી એમના કારણે નહિ, પરંતુ આઈએએસ અધિકારીઓના કારણે સ્થગિત થઇ ગઈ છે. કેજરીવાલે કહ્યું કે મનીશ અને તેઓ દિલ્હીમાં વધારે સ્કુલ અને હોસ્પિટલ હોય એવું ઈચ્છે છે. પરંતુ આઈએએસ અધિકારીઓ મીટીંગમાં ના આવતા હોવાથી તેઓ કઈ કરી શકતા નથી.

કેજરીવાલે પીએમ મોદી વિશે વાત કરતા કહ્યું કે અમે વ્યક્તિગત રીતે કોઈની વિરુદ્ધમાં નથી. હું અહી કામ કરવા માટે છું. એમણે કહ્યું કે તેઓ દેશના પ્રધાનમંત્રી છે અને પિતા સમાન છે. કેજરીવાલે આગળ જણાવ્યું કે અધિકારીઓ હડતાલ પર છે અને સીએમ હડતાલ ખતમ કરવા માટે ઉપવાસ પર બેઠા છે, આ મામલામાં પીએમએ હસ્તક્ષેપ કરવો જોઈએ.
