Timofey Vakhonin Russia Nazi Symbols Case: આજના સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવા અથવા મજાક-મસ્તીમાં કંઈક અલગ કરવાના ચક્કરમાં યુવાનો ઘણીવાર મોટી મુશ્કેલી વહોરી લેતા હોય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના રશિયામાં બની છે, જ્યાં એક 18 વર્ષના કૉલેજ વિદ્યાર્થીને માત્ર પિઝા ઓર્ડર કરવા માટે જેલના સળિયા પાછળ જવું પડ્યું છે. આ કિશોરે કોઈ સામાન્ય ભૂલ નહોતી કરી, પરંતુ તેણે ક્રૂર સરમુખત્યાર ‘એડોલ્ફ હિટલર’ ના નામે પિઝા ઓર્ડર કર્યો હતો અને પ્રતિબંધિત નાઝી પ્રતીકોનો પ્રચાર કર્યો હતો.
Russia માં હિટલરના નામે ઓર્ડર અને કૉલેજ ડેસ્ક પર સ્વસ્તિક
આ ઘટના રશિયાના ઉરલ્સ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક શહેર ‘નિઝની તાગિલ’ ની છે. ત્યાં એક સ્થાનિક શોપિંગ સેન્ટરમાં આવેલા ‘ડોડો પિઝા’ આઉટલેટમાં તિમોફે વાખોનિન (Timofey Vakhonin) નામના ઇલેક્ટ્રિશિયનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ‘એડોલ્ફ હિટલર’ નામથી પિઝા બુક કરાવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું કે, આ યુવાને પોતાની કૉલેજના ડેસ્ક પર પણ પ્રતિબંધિત નાઝી પ્રતીક ‘સ્વસ્તિક’ દોર્યું હતું, જેનો ફોટો તેણે ઓનલાઈન ચેટ ફોરમ પર શેર કર્યો હતો.
પોલીસે કૉલેજ(Russia) પરિસરમાંથી આ વિદ્યાર્થીની અટકાયત કરી હતી. કાયદાની પકડમાં આવતા જ યુવક રડી પડ્યો હતો અને તેણે બચાવમાં કહ્યું કે તે પરિણામોથી અજાણ હતો અને માત્ર મજાક માટે આ કર્યું હતું. જોકે, કાયદાના ઉલ્લંઘન બદલ કોર્ટે તેને 5 દિવસની જેલની સજા ફટકારી છે. આ ઘટના આજના ડિજિટલ યુગના યુવાનો માટે એક મોટી લાલબત્તી સમાન છે.
