Narmada News: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત વિશાળ સ્વાગત અને સન્માન સમારંભમાં ભાજપ (BJP)અને કોંગ્રેસના અનેક આગેવાનો પોતાના સમર્થકો સાથે પાર્ટીમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા અને જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નવા જોડાયેલા તમામ આગેવાનોને ચૈતર વસાવાએ ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. કોંગ્રેસમાંથી OBC જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ બારીયા, તાલુકા સભ્ય હિરેનભાઈ પરમાર, કોંગ્રેસ મહામંત્રી દિલીપભાઈ બારીયા સહિત અનેક આગેવાનો આપમાં જોડાયા હતા. સાથે જ ગમોડના ડેપ્યુટી સરપંચ જયદીપભાઈ બારીયા, પંચાયત સભ્ય મનીષાબેન વસાવા, યુથ પ્રમુખ મિતેશભાઈ બારીયા અને રાજપૂત સમાજના યુવા આગેવાન વનરાજસિંહ સોલંકી પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
અનેક કાર્યકરો AAPમાં જોડાયા
બીજી તરફ ભાજપને પણ આ કાર્યક્રમમાં ફટકો પડ્યો હતો. ભાજપ બક્ષીપંચ મોરચાના તાલુકા ઉપપ્રમુખ ગણપતભાઈ બારીયા, ST મોરચાના તાલુકા મહામંત્રી રાજેશભાઈ તડવી અને કારોબારી સભ્ય ગોપાલસિંહ માનસિંહ સહિત અનેક કાર્યકરોઆપમાં જોડાયા હતા.
કાર્યક્રમ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકોના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. તેમણે ખેડૂતોને પાકના પૂરતા ભાવ ન મળતા હોવાની, રોજગારના પ્રશ્નો અને પેપર લીક જેવી ઘટનાઓ અંગે સરકારને ઘેરી હતી.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે તેમની પાર્ટી લોકોના મૂળભૂત પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર રાજકારણ કરે છે, જ્યારે અન્ય પક્ષો ધાર્મિક અને સામાજિક મુદ્દાઓને આગળ ધરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા જોડાયેલા આગેવાનોના સહકારથી નર્મદા જિલ્લામાં પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે વધુ અસરકારક કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે રાજકીય જંગ: AAP-કોંગ્રેસ વચ્ચે ‘અસલી મસીહા’ બનવાની હોડ, ભાજપ પણ મેદાનમાં
આ પણ વાંચો : જૂનાગઢમાં AAP-BJP આમને-સામને, જિગીષા પટેલની ભાજપ નેતાને ચેતવણી
આ પણ વાંચો : સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના આદિવાસી રાજકારણમાં ગરમાવો, AAP સાથે સંપર્કના દાવાથી ચર્ચા તેજ
