Ahmedabad News/ અમદાવાદમાં NEET-UG NEET કેન્દ્ર પર હિજાબ-કંઠી વિવાદ

દેશભરમાં NEET-UG પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી. ગુજરાતમાં પણ 211 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે સઘન ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)માં NEET-UG પરીક્ષાના એક કેન્દ્ર પર હિજાબ અને ધાર્મિક પ્રતીકોને લઈને ભારે વિવાદ સર્જાતા પરીક્ષા કેન્દ્ર બહાર તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ હતી

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)માં NEET-UG પરીક્ષાના એક કેન્દ્ર પર હિજાબ અને ધાર્મિક પ્રતીકોને લઈને ભારે વિવાદ સર્જાતા પરીક્ષા કેન્દ્ર બહાર તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ હતી. આર. જે. ટિબ્રવાલ કોલેજ ખાતે યોજાયેલી પરીક્ષા દરમિયાન હિજાબ, કંઠી અને ધાર્મિક દોરા અંગે ઉઠેલા પ્રશ્નોને કારણે બે સંગઠનોના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને 3 વ્યક્તિઓની અટકાયત કરી હતી.

દેશભરમાં NEET-UG પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ

દેશભરમાં NEET-UG પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી. ગુજરાતમાં પણ 211 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે સઘન ચેકિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અમદાવાદના આર. જે. ટિબ્રવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર પર કેટલાક વાલીઓ અને સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે પરીક્ષાની ગાઈડલાઈનનું સમાન રીતે પાલન કરાવવામાં આવ્યું નથી.

વિરોધ કરનારાઓના જણાવ્યા મુજબ કેટલાક વિદ્યાર્થીઓને ગળાની કંઠી, હાથના ધાર્મિક દોરા અને અન્ય વસ્તુઓ ઉતારવા કહેવામાં આવ્યા હતા, જ્યારે હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને પ્રવેશ અપાયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે વિદ્યાર્થિનીઓને બહાર બોલાવી ફરી હિજાબ પહેરાવીને અંદર મોકલવામાં આવી હતી. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મામલાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને AIMIM સાથે જોડાયેલા કાર્યકરો પરીક્ષા કેન્દ્ર બહાર એકત્રિત થયા હતા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધક્કામુક્કી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની માહિતી મળતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈને વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. નિયમભંગ અને શાંતિભંગના પ્રયાસ બદલ 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ સહન કરવામાં આવશે નહીં. સાથે જ પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.


આ પણ વાંચો : “તમે કંઈ શીખ્યા જ નથી”, NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટનો NTA પર આક્રોશ

આ પણ વાંચો : NEET પેપર લીકમાં કોચિંગ સેન્ટરના સ્થાપકની ધરપકડ

આ પણ વાંચો : NEET કેસમાં NTA નિષ્ણાત શિક્ષિકા ઝડપાઈ