ભોપાલ,
મધ્યપ્રદેશમાં ૨૪ ફેબ્રુઆરીએ મુંગવાલી અને કોલારસના ગ્રામીણ વિસ્તારની બે વિધાનસભા બેઠકો પર પેટા ચુંટણી થવાની છે. આ પેટા ચુંટણીને ચાલુ વર્ષે યોજાનારી મધ્યપ્રદેશ વિધાનસભાની ચુંટણી પહેલા સેમી ફાઈલ સમાન માનવામાં આવી રહી છે.
ખાસ કરીને આ પેટા ચુંટણી મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે મહત્વપુર્ણ બની રહેવાના છે. આ બંન્ને મતવિસ્તરો સિંધીયાના દબદબા વાળા વિસ્તારો મનાય છે.
જ્યારે શિવરાજસિંહ ચૌહાણ આ બેઠકો જીતીને એ સાબિત કરવા માટે પ્રયત્ન કરશે કે રાજ્યમાં તેમનો દબદબો હજી પણ યથાવત છે. આ માટે ચૌહાણે બે દિવસ પહેલા કોલારસમાં ૩૦ કિલોમીટર અને મુંગાવલીમાં ૨૦ કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો.
રોડ શો દરમિયાન શિવરાજસિંહે જણાવ્યુ હતુ કે, જો આ બેઠકના લોકો ભાજપને જીતાડશે તો તેમને બે ધારાસભ્યો મળશે. એક ધારાસભ્ય અમારો ઉમેદવાર હશે અને બીજા ધારાસભ્ય હું ખુદ હોઈશ. હું આગામી છ મહિના આ બે બેઠકો માટે એક ધારાસભ્ય તરીકે કામ કરતો રહીશ.
સિંઘીયા ૨૦૦૨થી ગુના બેઠક પરથી સાંસદ છે. આ સંસદીય વિસ્તાર અંતર્ગત આ બંન્ને વિધાનસભા બેઠકો આવે છે. ગત વિધાનસભાની ચુંટણીમાં આ બંન્ને બેઠકો જીતવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. તેમજ આ બેઠકો પર જીતવા માટે કોંગ્રેસ પાછે સારી એવી તક પણ છે.
