નવી દિલ્હી,
દેશની સૌથી મોટી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી નીરવ મોદી વિરુધ ભારતની તપાસ એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા હવે નીરવ મોદીના વિદેશની બેંકોમાં જમા કરાયેલી કુલ ૬૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
કૌભાંડી નીરવ મોદી વિરુધ આ કાર્યવાહી ભારત સહિત કુલ ૫ દેશોમાં કરવામાં આવી છે. ED દ્વારા કરાયેલી કુલ ૬૫૭ કરોડ રૂપિયાની સંપત્તિમાં જ્વેલરી, બેંક એકાઉન્ટમાં જમા કેસ તેમજ અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે.
Enforcement Directorate attaches attaches properties and bank accounts to the tune of Rs 637 crore in Nirav Modi case. pic.twitter.com/Gsz6MFWq4O
— ANI (@ANI) October 1, 2018
PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ED દ્વારા નીરવ મોદીના પાંચ ઓવરસીઝ બેંક એકાઉન્ટ સીલ કર્યા છે, જેમાં કુલ ૨૭૮ કરોડ રૂપિયા જમા છે.
આ ઉપરાંત હોંગકોંગમાંથી ૨૨.૬૯ કરોડની કિંમતના હીરાના દાગીના તેમજ દક્ષિણી મુંબઈમાં ૧૯.૫ કરોડ રૂપિયાનું એક મકાન પણ ED દ્વારા જપ્ત કરાયું છે.

સાથે સાથે ન્યૂયોર્કમાં નીરવ મોદીના નામ પર ખરીદવામાં આવેલી સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે ૨૧૬ કરોડ રૂપિયા છે.
ED દ્વારા સિંગાપુરમાં ૪૪ કરોડ રૂપિયાની કિંમતનું બેંક એકાઉન્ટ પણ સીલ કર્યું છે, તેમજ લંડનમાં અંદાજે ૫૬ કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી તેમજ એક ફ્લેટ પણ જપ્ત કર્યો છે.
મહત્વનું છે કે, પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ચૂનો ચોપડી વિદેશમાં ભાગી જનાર કૌભાંડી નીરવ મોદીને મુંબઈની એક સ્પેશિયલ કોર્ટ દ્વારા એક મહિનામાં જવાબ આપવા માટે આદેશ અપાયો છે.
આ ઉપરાંત ED દ્વારા નવા કાયદા હેઠળ નીરવ મોદીને ભાગેડુ ઘોષિત કરવાની પણ માંગ કરી છે.
