મુંબઈ,
દેશની સૌથી મોટી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર જવેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. CBIની સ્પેશિયલ કોર્ટ દ્વારા દેશના સૌથી મોટા બેન્કિંગ ગોટાળાના આરોપમાં બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરાયું છે.
Non-Bailable warrant issued against #NiravModi & #MehulChoksi in cases related to #PNBScam by CBI special court in Mumbai. pic.twitter.com/cWA6aWYhx2
— ANI (@ANI) April 8, 2018
સીબીઆઈના એક અધિકારીના જણાવ્યા મુજબ, CBIની સ્પેશિયલ કોર્ટે પીએનબી ગોટાળા મામલે આરોપી નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવા માટે સીબીઆઈના આવેદનની અનુમતિ આપી દેવામાં આવી છે. ત્યારબાદ બંને આરોપીઓ સામે આ વોરંટ જાહેર કરાશે.
હાલમાં જ વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, નીરવ મોદી હોંગકોંગમાં છે અને સરકાર દ્વારા હોંગકોંગ સરકાર સમક્ષ નીરવ મોદીની ધરપકડ કરવા માટે અનુરોધ કર્યો હતો.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જે અધિકારી દ્વારા અલાહાબાદ બેંકના હોંગકોંગની શાખામાં વિદેશી મુદ્રોનું લેણદેણ કર્યું હતું, તેઓને હોંગકોંગ બોલાવવામાં આવ્યા છે અને પૂછતાછ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, અબજોપતિ ડાયમંડ જવેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અમુક કર્મચારીઓ સાથે મળીને ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને ત્યારબાદ બંને આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા.
આ કૌભાંડ બહાર આવ્યા બાદ ED અને CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. PNB કૌભાંડ બાદ ED દ્વારા દેશભરમાં આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અંદાજે ૭૫૦૦ કરોડ રૂપિયા કરતા વધુ રકમની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
બીજી બાજુ PNB સ્કેમના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.
