National News: 2 ડિસેમ્બર…આ તમને એક સામાન્ય દિવસ પ્રતીત થઇ શકે છે પણ આ એક વિશેષ દિવસ છે. ભારત (India)ના ઇતિહાસનું એક કાળું પૃષ્ઠ છે જે યાદ અપાવે છે કે, શી રીતે પ્રદૂષણનો રાક્ષસ આખા શહેર પર મોત બનીને ત્રાટક્યો હતો! તમને કદાચ યાદ નહિં હોય પણ આજે આ ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ આપણને હચમચાવી દે એવી કાળી રાતની યાદ અપાવે છે જ્યારે ભોપાલ શહેર (Bhopal)ની હવામાં એવું ઝેર પ્રસર્યું હતુ કે જેણે હજારો લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી અને હજારો નિદ્રાધીન અવસ્થામાં જ હંમેશાં માટે ખામોશ થઇ ગયા હતા!
ભારતમાં દર વર્ષે 2 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ (National Pollution Control Day, 2 December) મનાવવામાં આવે છે. આ કેવળ કેલેન્ડરની કોઇ તારીખ નથી, પણ એવા પીડાદાયક ભૂતકાળની યાદ છે જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને એ છે ભોપાલ ગેસ દુર્ઘટના..!
‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ નો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનો છે કે, પ્રદૂષણ માત્ર હવાને ગંદી નથી કરતું પણ આપણી જીંદગી અને સ્વાસ્થ્ય (Health) પર, અને સૌથી ગંભીર બાબત તો એ છે કે, આવનારી પેઢીઓ પર એની ઘણી દૂરગામી અસરો કરે છે.

દુનિયાના ઘણા લોકો માટે મોટી ચેતવણી
આજે પ્રદૂષણ એક વૈશ્વિક સંકટ (Global Crisis) બની ચૂક્યું છે. ભારતના નેશનલ હૅલ્થ પોર્ટલ અનુસાર, દુનિયામાં દર વર્ષે લગભગ 70 લાખ લોકો કેવળ વાયુ પ્રદૂષણ (Air Pollution)ને કારણે પોતાની જીંદગી ગુમાવી દે છે. પ્રદૂષણ કોઇ પણ સ્વરુપમાં હોઇ શકે છે, સોલિડ, લિકવિડ કે ગૅસના સ્વરુપે…આ ઉપરાંત એ ઊર્જા સ્વરુપે પણ અર્થાત્ વધુપડતી ગરમી કે વધુપડતો ઘોંઘાટ (Noise Pollution) પણ પર્યાવરણ માટે નુકસાનદાયક હોઇ શકે છે.
આપણી આસ-પાસ પ્રદૂષણ વધવાના કારણો
વાહનો અને ફેક્ટરીઓમાં કાર્બન ઉત્સર્જન
ગેસ લિકેજ
ફટાકડા ફોડવા
બોમ્બ ધડાકા
ઔદ્યોગિક બેદરકારી
આ તમામ કારણો હવા, માટી અને પાણીમાં ભળીને સતત ઝેરીલા પદાર્થોની વૃદ્ધિ માટે પૂરતા છે. આ વિષાર્ધ પદાર્થોની અસર માણસો પર જ નહિં પરંતુ, પ્રકૃતિ પર પડે છે.

ભોપાલ ગેસ દુર્ઘટના (Bhopal Gas Tragedy)
‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ સાથે ભોપાલ ગેસ દુર્ઘટનાની દુ:ખદ યાદ જોડાયેલી છે. 2 ડિસેમ્બર 1984ની રાત, એક કાળી શાહીથી અંકિત થઇ ચૂકી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જંતુનાશકો બનાવતી એક ફેક્ટરીમાં મિથાઇલ આઇસોસાઇનેટ (Methyl Isocyanate) નામનો ઝેરીલો ગેસ લીક થઇ ગયો હતો. થોડી જ મિનિટોમાં આખો એક વિસ્તાર ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયો હતો.
રાજ્ય સરકારના આંકડા અનુસાર, શરુ-શરુમાં તો 2259 લોકો મૃત્યુ (Death) પામ્યા હતા પરંતુ, રિપોર્ટ્સ એવું જણાવે છે કે સમય જતાં એની અસરથી જન્મેલી બીમારીઓના કારણે મૃત્યુઆંક વધીને 15,000થી 20,000 જેટલો થઇ ગયો હતો! આશરે 5 લાખની આસપાસની વસ્તી અત્યંત ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની શિકાર બની ચૂકી હતી જેમ કે, આંખોની રોશની ગુમાવવી, શ્વાસ લેવામાં તકલીફ થઇ જવી, પ્રજનન સંબંધી સમસ્યાઓ અને શરીરની નસોને લગતી બીમારીઓ આજે પણ આ દુર્ઘટનામાંથી બચી ગયેલા અનેક લોકોને, 40 વર્ષ વીત્યા બાદ પણ હેરાન કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના એક ગેલ લીકેજ (Gas Leakage) નહોતું પણ એ એક પ્રકારની ચેતવણી હતી કે, નાની અમથી ઔદ્યોગિક બેદરકારી પણ લાખો જીંદગીને કેવી રીતે તબાહ કરી શકે છે!

‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ 2 ડિસેમ્બરના રોજ મનાવવો કેમ જરુરી છે?
પ્રદૂષણ માટી, પાણી, હવા અને આખા પર્યાવરણ પર કેટલો ગહન પ્રભાવ પાડી શકે છે. ઓદ્યોગિક દુર્ઘટનાઓ માત્ર આસપાસના વિસ્તારને ખરાબ કરે છે એટલું જ નહિં પણ પ્રાકૃતિક સંસાધને પર એના દૂરગામી વિષમ પરિણામો જોવા મળી શકે છે. આ દિવસ મનાવવાથી આપણા સૌમાં પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવાય એ એનો મૂળ ઉદ્દેશ્ય છે.
આ દિવસનો શો હેતુ શો છે?
1. પ્રદૂષણના જોખમો વિશે લોકોને જાગૃત કરવા
2. ઉદ્યોગોમાં સુરક્ષા માપદંડ અપનાવવા પર ભાર આપવો
3. આવી દુર્ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાય
4. પ્રદૂષણ નિયંત્રણ કાયદાનું મહત્વ સમજાવવું
5. માનવીય બેદરકારીને કારણે થતા પ્રદૂષણને ઓછું કરવું
‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ નો મુખ્ય હેતુ
ઔદ્યોગિક દુર્ઘટનાઓ બનતી અટકાવવી
આ ઉપરાંત, લોકો તથા ઉદ્યોગોને સુરક્ષા પ્રક્રિયા કેટલી આવશ્યક છે અને એમાં એક નાની અમથી ચૂક કેવી રીતે મોટી દુર્ઘટનામાં બદલાઇ શકે છે એ સમજાવવાનો છે.
પ્રદૂષણ નિયંત્રણના ઉપાયોને ઉત્તેજન આપવું
ફેક્ટરીઓ (Industrial Pollution), ગાડીઓ અને માનવ હલચલના પરિણામે થનારા પ્રદૂષણને ઓછું કરવા યોગ્ય પગલાં લેવાનો છે.
સરકારી નિયમોના મહત્વને સમજાવવું
પ્રદૂષણ રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા (Laws) ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે લોકો એમનું પાલન કરશે.
પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ કરવું
સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને સુરક્ષિત માટી…આ આવનારી પેઢીઓ માટે મૂકીને જવું આપણુ કર્તવ્ય છે.
‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ માત્ર એક સ્મૃતિ દિવસ નથી પણ એક વોર્નિંગ (Warning) છે કે, પ્રદૂષણની કિંમત માણસે હંમેશાં પોતાના સ્વાસ્થ્યના ભોગે ચૂકવવી પડે છે. ભોપાલ ગેસ દુર્ઘટના આનુ ઉદાહરણ છે કે, નાની બેદરકારી પણ આપણને કેટલી ભારે પડી શકે છે. આથી આપણે સૌએ જવાબદારીપૂર્વક વર્તીને, પ્રદૂષણ ઓછું થાય એવા પ્રયાસો કરી, પર્યાવરણ (Environment)ને સુરક્ષિત રાખવાની દિશામાં પગલાં ઉપાડવાની તાતી જરુર છે.
આ પણ વાંચો: અમદાવાદની હવામાં ભળ્યું પ્રદૂષણ, AQI પહોચ્યો 200ને પાર
આ પણ વાંચો: ધુમ્મસના કારણે દિલ્હી આવી રહેલી આ 25 ટ્રેનો 8 કલાક મોડી ચાલી રહી હતી, જુઓ યાદી
આ પણ વાંચો: દક્ષિણ એશિયામાં સહિત વાયુ પ્રદૂષણના કારણે ઘણા દેશોના GDP પર અસર પડી
