Gujarat News : ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા તેનો ઘણીવાર વિરોધ કરાયો છે. બીજીતરફ તલાટીઓને હવે રખડતા શ્વાન શોધવાની સુચના આપવામાં આવી છે. તલાટીઓને ગ્રામ વિકાસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડીને આ સુચના આપવામાંઆવી છે. આ પરિપત્ર સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કરાયો છે.
કૂતરાં માટે ફીડીંગ ઝોન બનાવવા પંચાયતોને સૂચના
જેમાં જિલ્લા કક્ષાએ નાયબ નિયામક(પશુપાલન), તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સક અધિકારી અને ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી મંત્રી રખડતા શ્વાનના પ્રવેશને રોકવા તથા પરિસરની સ્વચ્છતા માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવાના રહેશે. જેમની વિગતો નોડલ અધિકારીના કાર્યક્ષેત્ર હેઠળની તમામ સરકારી સંસ્થાઓના પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાની રહેશે.
જરૂરી માળખાકીય પગલાં લેવાના રહેશે
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોડલ ઑફીસરની નિયુક્તિ અંગેના હુકમ કરવાના રહેશે. આઠ અઠવાડિયામાં નોડલ ઑફીસરની દેખરેખ હેઠળ સંસ્થાના વહીવટી વડાઓએ તેમના પરિસરમાં રખડતાશ્વાનના પ્રવેશને રોકવા માટે પૂરતી વાડ, ગેટ્સ, બાઉન્ડ્રી વોલ, અને અન્ય જરૂરી માળખાકીય પગલાં લેવાના રહેશે
.સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કરાયો પરિપત્ર
સુપ્રિમ કોર્ટે દેશભરમાં રસ્તા પર રખડતા પશુઓથી થતા અકસ્માતો અને રખડતાશ્વાનના હુમલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વ્યાપક નિર્દેશો જારી કર્યા છે. આ આદેશની જોગવાઈઓનો રાજ્યના તમામ જિલ્લાઓમાં તાત્કાલિક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવે છે, એમ ગ્રામ વિકાસ કમિશનર તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે.

