રેલવેએ ફ્લેક્સી ભાડા યોજના પાછી લેવાની સંભાવનાનો ઇન્કાર કરી દીધો છે. આ યોજના પ્રીમિયમ ટ્રેનો જેવી કે રાજધાની, દુરંતો અને શતાબ્દી માટે છે.
ફ્લેક્સી ભાડા યોજના હેઠળ ટ્રેનોની સીટો જેમ-જેમ ભરાતી જાય છે, તેમ-તેમ એના ભાડામાં વધારો થતો જાય છે. પ્રેત્યેક દસ ટકા બર્થ બુકિંગ બાદ મૂળ ભાડું દસ ટકા વધી જાય છે.
જોકે, ફર્સ્ટ એસી અને એક્ઝીક્યુટીવ શ્રેણીની ટિકિટો પર હાલ ભાડામાં ફેરફાર થતો નથી.
એક અધિકારીએ જણાવ્યું કે ફ્લેક્સી ભાડા યોજના ફક્ત 1.5 ટકા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જ લાગુ છે. આ યોજનાને 12,500 ટ્રેનોમાંથી ફક્ત 168 ટ્રેનોમાં જ લાગુ કરવામાં આવી છે.

અધિકારીએ એ વાતને ફગાવી દીધી કે ફ્લેક્સી ભાડા યોજનાના કારણે ઘણી પ્રીમિયમ ટ્રેનોમાં સીટ ખાલી રહી જાય છે.
જણાવી દઈએ કે 20 જુલાઈએ કેગ એ રેલવેની માંગ વધવાની સાથે ભાડું વધારવાની યોજનાને લઈને ઠપકો આપ્યો હતો.
કેગ એ રિપોર્ટમાં કહ્યું હતું કે રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનો માં માંગ વધવાની સાથે ભાડું વધારવાની યોજના શરુ કરવાથી આ શ્રેણીની ટ્રેનોમાં યાત્રીઓ પાસેથી થતી આવકમાં 552 કરોડ રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ ટ્રેનોમાં 2015-16ના મુકાબલે સપ્ટેમ્બર 2016 થી જુલાઈ 2017 દરમિયાન યાત્રિકોની સંખ્યામાં 6.75 લાખનો ઘટાડો આવ્યો છે.

કેગ ના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે થર્ડ એસી શ્રેણીથી રેલવેને સૌથી વધારે લાભ થાય છે. પરંતુ ફ્લેક્સી ભાડા યોજના શરુ કર્યા બાદ આમાં યાત્રિકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. અને ખાલી સીટોની સંખ્યામાં વધારો થયો છે.
કેગ એ રેલવેને ફટકાર લગાવતા કહ્યું હતું કે ફ્લેક્સી ભાડા યોજના ના કારણે ટ્રેનો કરતા વિમાન યાત્રા વધારે સસ્તી છે.
કેગ એ કહ્યું કે જયારે ટ્રેનો અને સમયની તુલના કરવામાં કરવામાં આવી તો પ્રીમિયમ ટ્રેનો ના મુકાબલે વિમાન યાત્રા કરવાનું સસ્તું છે. અને લોકો વિમાન યાત્રા કરવાનું વધારે પસંદ કરે છે.
