પુણે,
૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણનો કેસ સુપ્રીમ કોર્ટમાં આગામી ૨૯ જાન્યુઆરી ટાળી દેવામાં આવ્યો છે, ત્યારે આ વિવાદને લઈ નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના નેતા ઇન્દ્રેશ કુમારની એક પ્રતિક્રિયા સામે આવી છે.
મંગળવારે ઇન્દ્રેશ કુમારે આરોપ લગાવ્યો હતો કે, “કોંગ્રેસ, વામ દળ અને બે કે ત્રણ જજો એ ગુનેગારોમાં શામેલ છે, જેઓ ન્યાયમાં વિલંબ કરીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં અડચણ ઉભી કરી રહ્યા છે”.
તેઓએ જણાવ્યું હતું કે, “RSSની માંગ છે કે, રામ મંદિરના નિર્માણ માટે સરકાર અધ્યાદેશ લાવે અને અમે મોદી સરકારને આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટેની અપીલ કરીએ છીએ”.
RSS નેતાએ કહ્યું, “અમારું માનવું છે કે, આ મુદ્દે જલ્દીથી જલ્દી ન્યાય મળવો જોઈએ. સમગ્ર દેશની ભાવના છે કે જેટલું જલ્દી આ નિર્ણય થઇ શકે એટલું જ ઝડપથી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ”.
મહારાષ્ટ્રના પુણેમાં પત્રકારોને સંબોધતા તેઓએ જણાવ્યું, “રામ મંદિર મામલે વિલંબ માટે કોંગ્રેસ અને વામદળ જ અસલી ગુનેગાર છે. ત્રીજા ગુનેગાર દેશની સર્વોચ્ચ અદાલતના બે – ત્રણ જજો છે, જેઓ આ મામલે વિલંબ કરતા જઈ રહ્યા છે”.
આ ઉપરાંત RSS નેતાએ દાવો કર્યો હતો કે, “૩ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તેઓ આ વિવાદિત જમીનની માલિકીના મામલે રોજ સુનાવણી કરશે અને ઝડપથી આ મામલે પોતાનો નિર્ણય આપશે, પરંતુ કોંગ્રેસ અને વામદળન રોડા નાખવાના કારણે આ મુદ્દો સતત લટકતો રહ્યો છે”.