પાટનગર ગાંધીનગર સ્તિથ અક્ષરધામમાં કરાયેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ અજમેરીને ક્રાઈમ બ્રાન્ચે ૧૫ વર્ષ બાદ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. શનિવારના રોજ માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ અજમેરી જયારે રિયાધથી અમદાવાદ આવ્યો હતો ત્યારે તેને એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલિસના સુત્રોના કહેવા પ્રમાણે અબ્દુલ રશીદ આતંકી સંગઠન જૈશ એ મોહંમદ અને લશ્કરે તોયાબાના આગેવાનો સાથે સંપર્કમાં રહેતો હતો. અબ્દુલ રશીદે આ આતંકવાદી સંગઠનો સાથે મળીને ગુજરાતમાં અક્ષરધામ પર હુમલો કરવા માટે ફંડ અને જરૂરી હથિયારોની વ્યવસ્થા કરી હતી.અબ્દુલ રશીદે તેના ભાઇ આદમ અજમેરીને ત્રાસવાદીઓને રહેવાની વ્યવસ્થા કરવા અને હુમલાના સ્થળોની રેકી કરવા જણાવ્યું હતું.
વર્ષ 2002ના સપ્ટેમ્બર મહિનામાં ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર પર આતંકી હુમલો થયો હતો જેમાં 32 લોકોના મોત થયા હતાં.આ હુમલા બાદ અજમેરી ફરાર હતો અને એવું મનાય છે કે તે રિયાધમાં સ્થાયી થયો હતો.

મહત્વનું છે કે, આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા, ૨૪ નવેમ્બર, ૨૦૦૨ ના રોજ ગાંધીનગરના અક્ષરધામમાં બે આતંકીઓએ અંધાધુંધ ગોળીબારી કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૩૨ લોકોના મોત થયા હતા તેમજ ૭૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલા સમયે અક્ષરધામમાં આશરે ૬૦૦ લોકો હાજર હતા.
