Ola Uber Strike 7 February 2026: જો તમે આવતીકાલે એટલે કે શનિવાર, 7 ફેબ્રુઆરીએ ક્યાંક જવા માટે ઓલા (Ola), ઉબર (Uber) કે રેપિડો (Rapido) બુક કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. દેશભરના કેબ અને ઓટો ડ્રાઇવરોએ આવતીકાલે હડતાળનું એલાન કર્યું છે, જેને ‘ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન’ નામ આપવામાં આવ્યું છે.
Ola Uber Strikeની મુસાફરો પર પડશે મોટી અસર
આ હડતાળ હેઠળ ડ્રાઇવરોએ તેમની મોબાઈલ એપ્સ બંધ રાખવાનું નક્કી કર્યું છે. જેના કારણે કેબ, ઓટો અને બાઇક ટેક્સી સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થવાની આશંકા છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી માટે મેટ્રો, બસ કે ખાનગી વાહનનો વિકલ્પ પહેલેથી જ વિચારી રાખે.

શા માટે થઈ રહી છે હડતાળ?
તેલંગાણા ગિગ વર્કર્સ યુનિયન (TGPWU) અને અન્ય સંગઠનો દ્વારા શરૂ કરવામાં આવેલા આ આંદોલનમાં ડ્રાઇવરોની સુરક્ષા અને હિતો માટે મહત્વની માંગણીઓ કરવામાં આવી છે. ડ્રાઇવરોનું કહેવું છે કે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત ભાડું નક્કી ન હોવાથી કંપનીઓ મનસ્વી રીતે પૈસા કાપે છે, તેથી ન્યૂનતમ ભાડું નક્કી કરવું અનિવાર્ય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ડ્રાઇવરોનું કમિશન ઘટી રહ્યું હોવાથી તેમનું આર્થિક શોષણ બંધ કરવાની અને ખાનગી (સફેદ નંબર પ્લેટ ધરાવતી) ગાડીઓના કોમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવામાં આવી છે. યુનિયન ઈચ્છે છે કે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી આ મામલે દખલ કરે અને સરકારી નિયંત્રણ લાવીને કંપનીઓની મનમાની અટકાવે.
અગાઉ પણ થઈ ચૂકી છે હડતાળો
આ પહેલીવાર નથી જ્યારે ગિગ વર્કર્સ રસ્તા પર ઉતર્યા હોય. અગાઉ 3 ફેબ્રુઆરી 2026ના રોજ પણ ’10 મિનિટ ડિલિવરી’ સિસ્ટમ અને સુરક્ષાના મુદ્દે વિરોધ થયો હતો. આ સિવાય 2025ના અંતમાં પણ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં લાંબી હડતાળો જોવા મળી હતી. સતત ઘટી રહેલી આવક અને વધતા દબાણને કારણે ડ્રાઇવરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ઓલા-ઉબેર જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે ‘સહકાર ટેક્સી’ સેવા શરૂ કરવાની જાહેરાત કરી
આ પણ વાંચો: મન ફાવે તેટલું ભાડું વસૂલતી ઉબેર, રેપિડો અને ઓલા પર કર્ણાટકમાં પ્રતિબંધ
આ પણ વાંચો: વાહન માલિકો માટે મોટો ફટકો, ઓલા ઉબેરમાં હવે 8 વર્ષ જૂના વાહનો નહીં ચાલે
