શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર માસ રમજાન દરમિયાન કરવામાં આવેલું સીઝફાયરનું એલાન પૂર્ણ થતાં સેના દ્વારા સતત આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારે કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ઓપરેશનમાં સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ ઓપરેશન કુપવાડાના ત્રેહગ્રામ વિસ્તારમાં થયું હતું. આ ઓપરેશન સવારે લગભગ 5.30 વાગ્યાથી ચાલી રહ્યું હતું.. આ ઉપરાંત આતંકીઓએ શોપિયાંમાં સેનાની ટુકડી પર ગ્રેનેડ ફેંક્યા હતા જેમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. ત્યારબાદ શોપિયાંમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અમરનાથ યાત્રાને કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગે છે. ગુપ્તચર વિભાગની સુચનામાં કહેવાયું છે કે પાકિસ્તાનનું આતંકી ગ્રુપ લશ્કર-એ-તોયબા પવિત્ર ગુફા તરફ જતાં રસ્તામાં પડતા પિસ્સૂ ટોપ અને શેશાંગ પર હુમલો કરી શકે છે. આ બંને સ્થાન રણનીતિક રીતે ઘણાં જ સંવેદનશીલ માનવામાં આવે છે. સુરક્ષાને જોતાં એજન્સીઓએ અનેક પ્રકારની તૈયારીઓ કરી છે, જેથી કોઈપણ પરીસ્થિતિઓનો સામનો કરી શકાય.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાનો સામનો કરવા માટે સુરક્ષા એજન્સીઓ ત્રણ મુદ્દે કામ કરી રહી છે. એક તરફ ઓપરેશન ઓલઆઉટની મદદ આતંકીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે. તો NIA અને ED મોટાં સ્તરે સરહદ પાર આવતાં આર્થિક સ્ત્રોત અને આતંકના વેપારીઓને દબોચી રહ્યાં છે. આ કડીમાં જ હુર્રિયત નેતાઓ પર ગાળિયો કસાયો છે. ત્રીજું પગલું છે રાજ્યપાલ શાસન દરમિયાન સામાજિક પક્ષના તમામ વર્ગો સાથે વાત કરવા માટે ઈન્ટરલોક્યૂટર કામ કરતા રહેશે.