Ahmedabad News: અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન ટ્રાફિક (Navratri Traffic) વ્યવસ્થાપન અને મહિલા સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના પ્રથમ ત્રણ દિવસમાં ટ્રાફિક જામ (Traffic Jam)ની સમસ્યા મર્યાદિત રહી હતી. પોલીસને ટ્રાફિક જામ સંબંધિત કુલ 17 કોલ મળ્યા હતા, જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં અંદાજે 45 કોલ મળ્યા હતા. આ વખતે ટ્રાફિક જામના કોલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
Navratri Traffic: 4,300 કેમેરાથી ટ્રાફિક પર નજર
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના કંટ્રોલરૂમમાંથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટના 3,300 અને નિર્ભયા પ્રોજેક્ટના 1,000 મળીને કુલ 4,300 કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ગરબા કાર્યક્રમો પૂર્ણ થયા બાદ રાત્રિના સમયે એસ.જી. હાઇવે, રિંગ રોડ અને શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક જામ (Traffic Jam)ની સામાન્ય સમસ્યા જોવા મળી હતી. જોકે, ટ્રાફિક પોલીસની કામગીરી અને નાગરિકોના સહકારથી સ્થિતિને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી હતી.
ટ્રાફિક જામના કોલ પર 10 મિનિટમાં પ્રતિસાદ
નવરાત્રિના પ્રથમ દિવસે ટ્રાફિક જામ (Traffic Jam)અંગે 3 કોલ, બીજા દિવસે 9 અને ત્રીજા દિવસે 5 કોલ મળ્યા હતા. આ કોલ પર પોલીસનો પ્રતિસાદ સમય 10 મિનિટથી ઓછો રહ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં કોલની સંખ્યામાં થયેલો ઘટાડો ટ્રાફિક વ્યવસ્થાપન માટે સકારાત્મક સંકેત છે.
મહિલા સુરક્ષા માટે 239 પેટ્રોલિંગ વાહનો
મહિલાઓની સુરક્ષા (Women Safety)અને નાગરિકોને મદદરૂપ થવા માટે શહેરમાં 49 SHE ટીમનાં વાહનો, અભયમ હેલ્પલાઇનનાં 12 વાહનો, 49 ગરબા સ્પેશિયલ વાહનો અને 129 જનરક્ષક ડાયલ 112નાં પેટ્રોલિંગ વાહનો કાર્યરત છે.
પ્રથમ ત્રણ દિવસ દરમિયાન મહિલાઓ તરફથી મદદ અને માહિતી માટે અનેક કોલ મળ્યા હતા. તેમાંથી ચાર મહિલાઓને તેમની જરૂરિયાત મુજબના સ્થળેથી લઈ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવી હતી. SHE ટીમ દ્વારા ગરબા સ્થળોની મુલાકાત, બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ અને CCTV કંટ્રોલરૂમની મુલાકાત દ્વારા સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખવામાં આવી હતી.
7 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા
નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો અને આસપાસના વિસ્તારોમાં પરિવારથી વિખૂટાં પડેલાં બાળકોને શોધી તેમના પરિવાર સાથે મિલાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. પ્રથમ ત્રણ દિવસમાં કુલ 5 બાળકો અને 2 બાળકીઓને તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
વસ્ત્રાપુર, કાગડાપીઠ, નરોડા, મહિલા પોલીસ સ્ટેશન પશ્ચિમ, વેજલપુર અને મહિલા સેલની ટીમોએ અલગ-અલગ સ્થળોએ આ કામગીરી કરી હતી. અમદાવાદ પોલીસની આ વ્યવસ્થાથી નવરાત્રિ દરમિયાન ટ્રાફિક નિયંત્રણની સાથે મહિલા અને બાળકોની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિ-દશેરા દરમિયાન ટ્રાફિકના નવા નિયમો, ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
આ પણ વાંચો: હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે
આ પણ વાંચો: નવરાત્રિ પહેલા સુરતમાં ‘મિશન દુર્ગા’: દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ
