Navsari News: ગુજરાતમાં ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. ડ્રગ્સ મુક્ત ગુજરાત (Drug Free Gujarat) અભિયાન અંતર્ગત નવસારીમાં પહેલીવાર પાનના ગલ્લા અને શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ સિગારેટ પીતા તથા શંકાસ્પદ યુવાનોનું ચેકિંગ (Navsari Drug Testing) શરૂ કરવામાં આવ્યું છે. નવસારી ટાઉન પોલીસ, SOG અને નાર્કોટિક્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઓરલ ફ્લુઇડ કીટ દ્વારા યુવાનોની લાળના સેમ્પલ લીધા હતા. આ કીટથી અંદાજે 10 મિનિટમાં ટેસ્ટનું પરિણામ મળે છે.
Navsari Drug Testing: અગ્રવાલ કોલેજ રોડ પર અચાનક ચેકિંગ
નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર પોલીસે (Gujarat Police) અચાનક તપાસ હાથ ધરી હતી. કોલેજ નજીક આવેલા પાનના ગલ્લાઓ પર સિગારેટ પીતા અને શંકાસ્પદ જણાતા યુવાનોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ઓરલ ફ્લુઇડ કીટની મદદથી લાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આ કીટ દ્વારા MD ડ્રગ્સ, ગાંજો, ચરસ અને કોકેઇન જેવા નશીલા પદાર્થોના સેવન અંગે તપાસ કરવામાં આવે છે. અગાઉ બ્લડ કે યુરિન ટેસ્ટ માટે હોસ્પિટલ જવું પડતું હતું અને રિપોર્ટ મેળવવામાં સમય લાગતો હતો. જોકે, આ નવી પદ્ધતિમાં પોલીસ સ્થળ પર જ સેમ્પલ લઈને આશરે 10 મિનિટમાં પરિણામ મેળવી શકે છે.
ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડવા પોલીસની કવાયત
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવાનું છે. લગભગ એક અઠવાડિયા પહેલાં નવસારીમાંથી દોઢ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. અગાઉ શહેરના કેટલાક હાઈપ્રોફાઈલ યુવાનો ડ્રગ્સનું સેવન કરતા હોવાની ફરિયાદો પણ પોલીસ સુધી પહોંચી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, યુવાધનને ડ્રગ્સથી દૂર રાખવા માટે માત્ર સપ્લાય ચેઇન તોડવી પૂરતી નથી, પરંતુ નશીલા પદાર્થોનું સેવન કરતા લોકો સુધી પણ પહોંચવું જરૂરી છે.
પોઝિટિવ રિપોર્ટ આવે તો આગળની કાર્યવાહી
પોલીસની આ ઝુંબેશને કારણે ડ્રગ્સના પેડલરો અને નશીલા પદાર્થોનું સેવન કરતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. જો કોઈ વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ આવે તો પોલીસ NDPS એક્ટ (NDPS Act) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. સાથે જ સંબંધિત વ્યક્તિ ડ્રગ્સ ક્યાંથી મેળવતી હતી તેની તપાસ કરીને સપ્લાયના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે.
નવસારીમાં શરૂ કરાયેલી આ પદ્ધતિ આગામી દિવસોમાં રાજ્યના અન્ય મોટા શહેરોમાં પણ અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: સુરતના પોલારિસ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરીનો પર્દાફાશ!
