નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં અમલસાડ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં બે ધારાસભ્યો વચ્ચેનાં વિવાદને સ્વીકાર્યો હતો.
નવસારીનાં બે ધારાસભ્ય પિયુષ દેસાઈ અને આર. સી. પટેલ વચ્ચેનો વિવાદ જૂનો છે. જે વિવાદ ઘણી વાર સપાટી ઉપર આવી ચુક્યો છે ત્યારે આજે અમલસાડ ખાતેનાં એક કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ ઉપરથી ધારાસભ્યો વચ્ચેનાં વિવાદનો સ્વીકાર કર્યો હતો. પાટીલે પોતાના ઉદબોધનમાં જાહેર મંચ ઉપરથી નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જલાલપોર ધારાસભ્ય આર. સી. પટેલનો સ્પષ્ટ ઉલ્લેખ કરી વિવાદ વિશે ટિપ્પણી કરી હતી. પિયુષ દેસાઇ વિજલપોરને પાણી ન આપે અને આર. સી. પટેલ નવસારીનો કચરો વિજલપોરમાં ન નાખવા દે તેવી સ્પષ્ટ વાત પાટીલે જાહેરમંચ ઉપરથી કરી હતી. ધારાસભ્યોનાં વિવાદ વચ્ચે વિકાસ રૂંધાવો ન જોઈએ તેવું પણ તેમણે મંચ ઉપરથી નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : કચ્છ સરહદ પરથી એક સાથે દસ પાકિસ્તાની બોટ અને ખલાસીઓ પકડાયા
