Navsari ST Depot Incident: દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. શહેરના વ્યસ્ત એવા એસટી ડેપો વિસ્તારમાં અચાનક 40 ફૂટ ઊંચી નારિયેળીની ડાળી નીચે પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
Navsari : CCTVમાં કેદ થઈ ભયાનક ઘટના
એસટી ડેપો પાસે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જે સમયે નારિયેળીની તોતિંગ ડાળી નીચે પડી, તે જ સમયે ત્યાંથી એક વૃદ્ધ અને એક બાળક પસાર થઈ રહ્યા હતા. ડાળી બરાબર તેમની બાજુમાં જ પડી હતી, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હતો. જો આ ડાળી સીધી રાહદારીઓ પર પડી હોત તો કોઈનું મોત પણ નીપજી શક્યું હોત.
અનેક રજૂઆતો છતાં પાલિકા મૌન
સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમનું કહેવું છે કે આ નારિયેળી લાંબા સમયથી જોખમી હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે તેમ છે. આ બાબતે સ્થાનિકોએ અનેકવાર નવસારી પાલિકામાં નારિયેળી હટાવવા અથવા તેને ટ્રિમ કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી.
“શું કોઈના મોતની રાહ જોવાય છે?”
ઘટના બાદ વેપારીઓએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. વેપારીઓનું કહેવું છે કે એસટી ડેપો વિસ્તાર હંમેશા ધમધમતો હોય છે, અહીં હજારો મુસાફરો અને સ્કૂલના બાળકોની અવરજવર રહે છે. જો હવે આખેઆખું ઝાડ ધરાશાયી થશે તો તેની જવાબદારી કોણ લેશે?
આ પણ વાંચો: નવસારી વોર્ડ-12માં રહીશોનો ‘નો વોટ’નો નારો
આ પણ વાંચો: નવસારી-વાંસદા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ભયનું વાતાવરણ
આ પણ વાંચો: નવસારી જિલ્લાની માટીમાંથી બની છે ફાઇનલની પીચ
