Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા ઇન્સાનિયતનગર ચાર માળિયામાં બહેન અને બનેવી વચ્ચેના વિવાદમાં સમજાવટ કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો (Vatva Knife Attack) થયાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ, બનેવીએ સાળા પર હુમલો કરતાં 24 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વટવા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Vatva Knife Attack: બહેન અને બનેવી વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડ્યો યુવક
ઇન્સાનિયતનગર (Insaniyatnagar) ચાર માળિયામાં રહેતા અને છૂટક મજૂરી કરતા 24 વર્ષીય ગગન ઉર્ફે માયા નારણભાઈ કાનજીભાઈની બહેન આશાબેન (ઉંમર 35 વર્ષ)ના પ્રથમ પતિનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ આશાબેને શાહબાઝ ઉર્ફે બોબડો સાઓ અનવરખાન પઠાણ (ઉંમર 30 વર્ષ) સાથે પુનઃલગ્ન કર્યા હતા.
22 ઑક્ટોબરે સાંજે આશરે 4:30 વાગ્યે શાહબાઝ અને આશાબેન વચ્ચે બ્લોકની નીચે બોલાચાલી થઈ રહી હતી. આ દરમિયાન ગગન ત્યાં પહોંચ્યો હતો અને બંનેને સમજાવીને વિવાદ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
‘તું અમારી વચ્ચે કેમ પડે છે?’ કહી ઉશ્કેરાયો
ફરિયાદ મુજબ, ગગનની દખલગીરીથી શાહબાઝ ઉશ્કેરાયો હતો અને તેની સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધુ ન વધે તે માટે ગગન ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ સાંજે આશરે 6:30 વાગ્યે ગગન વટવામાં ઉમંગ ફ્લેટ નજીક આવેલી મેડિકલ દુકાનના પગથિયાં પાસે બેઠો હતો. આ દરમિયાન શાહબાઝ ત્યાં પહોંચ્યો હતો અને તેની પાસે રહેલી છરીથી ગગન પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ (Ahmedabad Crime News) છે.
ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલામાં ગગનને ડાબા કાન અને જમણા હાથના બાવડાના ભાગે ઇજાઓ થઈ હતી. ગગને બૂમાબૂમ કરતાં હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ ગગનને એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલ (LG Hospital) લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વટવા પોલીસે તપાસ શરૂ કરી
આ બનાવ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં શાહબાઝ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાના બનાવમાં ગુનો નોંધી આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: જંતર-મંતર પર CAPF જવાન પર છરીથી હુમલો, NSUIના કાર્યકર પર આરોપ
આ પણ વાંચો: ભાવનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં દાદા, પૌત્રી અને પાડોશી મહિલા પર છરીથી હુમલો
આ પણ વાંચો: વાડજમાં રૂ.90 હજારની ઉઘરાણી માટે સગીર પર છરીથી હુમલો, મિત્રને બચાવવા આવેલા યુવકને પણ ઇજા
