New Delhi News: AISA પ્રમુખ નેહા બોરાની ટી-શર્ટ(One Piece) પરની ખોપરીએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કાળા રંગની આ ટી-શર્ટ પર ખોપરી અને વન પીસ લખાણ જોવા મળ્યું હતું. સવાલ એ છે કે ઇન્ડોનેશિયા, નેપાળ, ફિલિપાઇન્સ અને ફ્રાન્સ સુધીના વિરોધ પ્રદર્શનોમાં દરિયાઈ લૂંટારાઓનો આ ઝંડો કેમ દેખાય છે.
One Piece ની ટી-શર્ટે જગાવી ચર્ચા

આ ટી-શર્ટ માત્ર ફેશન નથી. ખોપરીનું આ નિશાન આજે દુનિયાભરના યુવા વિરોધનું પ્રતીક બન્યું છે. 10 અને 11 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થયેલા પ્રદર્શનમાં નેહા(Neha Bora)આ જ નિશાનવાળી ટી-શર્ટમાં જોવા મળ્યાં હતાં.
17મી સદીમાં દરિયાઈ લૂંટારાઓનો ધ્વજ

આ ઝંડાની શરૂઆત 17મી સદીમાં દરિયાઈ લૂંટારાઓથી થઈ હતી. સામેના જહાજ માટે સંદેશ સ્પષ્ટ હતો: શરણે આવો નહીંતર હુમલો થશે. કાળો ઝંડો ચેતવણી ગણાતો અને શરણે આવનારનો જીવ બચતો. ચેતવણી અવગણવામાં આવે તો લાલ ઝંડો ફરકાવાતો, જેનો અર્થ જીવલેણ હુમલો થતો.
વર્ષ 1687માં એક ફ્રેન્ચ જહાજની લોગબુકમાં લાલ ઝંડા પર ખોપરી અને હાડકાંનો પહેલો ઉલ્લેખ મળ્યો હતો. 1710 સુધીમાં લાલ ઝંડો ચલણમાંથી બહાર થઈ ગયો. ત્યાર પછી રિચર્ડ વર્લી અને એડવર્ડ ઇંગ્લેન્ડે કાળા ઝંડા પર સફેદ ખોપરી વાપરી. આ ઝંડો જૉલી રૉજર (Jolly Roger) તરીકે ઓળખાયો.
લૂફીની કહાણી અને યુવા પેઢી
વર્ષ 1997માં જાપાની કાર્ટૂનિસ્ટ ઇચિરો ઓડાએ વન પીસ મંગા શરૂ કરી. તેનો નાયક મંકી ડી. લૂફી રબર જેવું શરીર ધરાવતો, હંમેશા હસતો કેપ્ટન છે. તે સમુદ્રી લૂંટારો છે, પણ વિલન નથી. તેનો દુશ્મન ભ્રષ્ટ, સત્ય છુપાવતી અને અસંમતિ દબાવતી ગ્લોબલ ગવર્નમેન્ટ છે. લૂફી અત્યાચારીઓ સામે લડીને લોકોને મુક્ત કરાવે છે.
વર્ષ 2022 સુધીમાં આ કોમિક્સની 51 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે, જે ગિનેસ રેકોર્ડ છે. 1999થી ચાલતી એનિમે સિરીઝના 1,100થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે. દુનિયાભરની યુવા પેઢી માટે આ તેમની સંસ્કૃતિનો ભાગ બની ગયું છે.
ઇન્ડોનેશિયાથી ફ્રાન્સ સુધી વિરોધમાં દેખાયો ઝંડો

ઓક્ટોબર 2023માં ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં ગાઝા પર ઇઝરાયેલી હુમલાના વિરોધમાં આ ધ્વજ પહેલીવાર દેખાયો હતો. ત્યારથી ઓછામાં ઓછા પાંચ દેશોમાં તે જોવા મળ્યો છે.
ઇન્ડોનેશિયા: 2025માં ટ્રક ડ્રાઇવરોએ ઓવરલોડિંગના નિયમો સામે નારાજગીમાં આ ધ્વજ ફરકાવ્યો. સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રાષ્ટ્રપતિની અપીલ સામે યુવાનોએ વન પીસનો ધ્વજ ફરકાવ્યો. સાંસદોને મળતા ભારે હાઉસિંગ એલાઉન્સના સમાચાર પછી પ્રદર્શનો ભડક્યાં. ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં અને સરકારે ભથ્થાં પરત લેવા પડ્યાં.
નેપાળ: સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે 8 સપ્ટેમ્બરે યુવાનો રસ્તા પર ઊતર્યા. ઇમારતો સળગી અને પોલીસ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયાં. પીએમ કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું. સુશીલા કાર્કી વચગાળાના પીએમ બન્યાં અને ત્યાર પછી ચૂંટણી જીતીને બાલેન શાહ વડાપ્રધાન બન્યા.
ફિલિપાઇન્સ: પૂર નિયંત્રણ પ્રોજેક્ટના કૌભાંડ સામે મનીલામાં લગભગ 50 હજાર લોકો એકઠા થયા. ઘણા વરિષ્ઠ નેતાઓએ રાજીનામાં આપવા પડ્યાં.
મેડાગાસ્કર: વીજળી-પાણીની અછત અને ભ્રષ્ટાચાર સામેના આંદોલનમાં ઓછામાં ઓછા 22નાં મોત થયાં. સેનાએ સત્તા સંભાળી અને રાષ્ટ્રપતિને દેશ છોડવો પડ્યો.
ફ્રાન્સ: બજેટ કાપ સામેના ‘બ્લોક એવરીથિંગ’ અભિયાન દરમિયાન પેરિસમાં પણ આ ધ્વજ દેખાયો.
ભારતમાં ક્યારે દેખાયો જૉલી રૉજર?
ભારતમાં જુલાઈ 2026માં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથેના જંતર-મંતર(Jantar Mantar)પ્રદર્શનમાં પહેલીવાર આ ધ્વજ દેખાયો હતો.કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓએ તેના પોસ્ટર લહેરાવ્યાં હતાં. ઓક્ટોબરમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP અને યુવાઓએ આંદોલન શરૂ કર્યું. તેમાં પણ આંદોલનકારી નેહા બોરા વન પીસ લખેલી ટી-શર્ટમાં જોવા મળ્યાં હતાં. એક સમયે દરિયામાં ભય ફેલાવતો ઝંડો આજે એક કાલ્પનિક નાયકના સહારે અન્યાય સામે અવાજનું પ્રતીક બન્યો છે.
આ પણ વાંચો: અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી? દીપકે કસ્ટડી વીડિયો પર પોલીસ અને CJP આમને-સામને
આ પણ વાંચો:કંગના રનૌતનો CJP આંદોલન પર પ્રહાર: ‘દેશવિરોધી તત્ત્વો અને આંતરરાષ્ટ્રીય કાવતરાં દેશ માટે મોટો પડકાર’
આ પણ વાંચો:CJPના 3 નેતાઓને શરતી મુક્તિ: એક વર્ષ સુધી શાંતિ જાળવવાની શરત
