ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ માઉન્ટબેટનના પત્ની એડવિનાના પત્રોને લઈને આઝાદીના લગભગ 80 વર્ષે પણ વિવાદોના વમળ સર્જાય છે. પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML)એ આ પત્રોની માંગ કરતાં વર્ષો જૂની વાત ફરીથી ઉખેળાઈ છે. પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીએ પહેલી વખત ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એડવિના માઉન્ટબેટન, જયપ્રકાશ નારાયણ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન સહિત કેટલાયને લખેલા વ્યક્તિગત પત્રો પરત કરવાની સત્તાવાર રીતે માંગ કરી છે. યુપીએનું શાસન હતું ત્યારે 2008માં આ પત્રો સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.
શાસક પક્ષ ભાજપનો દાવો છે કે નેહરુના પત્રોના 51 કાર્ટન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ત્યાં મોકલાયા હતા. તેમા કેટલાક પત્રો પક્ષોના નેતાઓને લખેલા હતાં તો કેટલાક એડવિના માઉન્ટબેટનને લખેલા હતા. હવે સવાલ એ ઉઠે છે કે નેહરુએ એડવિનાને લખેલા પત્રો આટલા વર્ષો પછી પણ કેમ વિવાદ જગાવી રહ્યા છે.

દસમી ડિસેમ્બરના પત્રમાં PMMLના સભ્ય અને અમદાવાદ સ્થિત ઇતિહાસવિદ રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને લખ્યું હતું કે તેઓ કોંગ્રેસના આગેવાન સોનિયા ગાંધી પાસે પડેલા આ પત્રોની મૂળ પ્રત, ફોટોકોપી કે તેનું ડિજિટલ વર્ઝન પરત મેળવી આપવામાં મદદ કરે. આ સાથે પહેલી વખત બહાર આવ્યું હતું કે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ખાતેથી 2008માં પત્રો લઈ ગયા હતા. આ બનાવ જાણે ડોનાલ્ડ ટ્રમ્પ તેમનો પહેલો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ પદના કાર્યકાળના પત્રો કાર્ટન ભરીને તેમના નિવાસ્થાને લઈ ગયા હતા તેના જેવું જ લાગે છે.

કાદરીએ જણાવ્યું હતું કે આ પત્રો નેહરુએ એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવનરામ અને ગોવિંદ વલ્લભ પંતને લખ્યા છે. કાદરીનું કહેવું છે કે આ પત્રો રિસર્ચરો અને વિદ્વાનોને મદદરૂપ નીવડી શકે છે. હવે અહીં સવાલ એ છે કે ભારતના પ્રથમ વડાપ્રધાનના આ પત્રોને ગાંધી કુટુંબની વ્યક્તિગત માલિકીના ગણવા કે દેશના વડાપ્રધાન હોવાથી તેને રાષ્ટ્રીય સંપત્તિ ગણવી?
તેની સાથે બીજા સવાલો તે પણ ઉઠે છે કે નેહરુના પત્રોમાં એવું તે શું હતું કે સોનિયા ગાંધીએ તેમને લઈ જવાની જરૂર પડી. બીજી બાજુએ વડાપ્રધાન મ્યુઝિયમનો દાવો છે કે આ પત્રો બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિના હોવાથી તેના પર ભારતની પ્રજાનો અધિકાર છે અને તે રાષ્ટ્રીય સંપત્તિ છે, ગાંધી કુટુંબ તેની સાથે વ્યક્તિગત સંપત્તિ તરીકેનો વ્યવહાર ન દાખવી શકે. આગામી સમયમાં આ મુદ્દો ફક્ત વિવાદનો જ નહીં, પણ કોર્ટમાં પણ જતો જોવા મળી શકે છે. વડાપ્રધાન મ્યુઝિયમ ભારતના પ્રથમ વડાપ્રધાનના પત્રોને રાષ્ટ્રીય સંપત્તિ ગણે છે અને ગાંધી કુટુંબ તેને વ્યક્તિગત માલિકી ગણે છે.
કાદરીએ રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે તમે યુપીએના ચેરપર્સન પાસેથી આ બધી ઐતિહાસિક ધરોહર પરત અપાવે તેમણે જણાવ્યું હતું કે તેઓ સોનિયા ગાંધીને આ અંગે સપ્ટેમ્બરમાં વિનંતી કરી ચૂક્યા છે, પણ તેનો કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી.

આના પગલે અદાણી-અદાણી કઈ વિરોધ કરતાં વિપક્ષ સામે હવે શાસક પક્ષને પણ મોટો મુદ્દો મળી ગયો છે. શાસક પક્ષ આક્રમક થઈ તૂટી પડ્યો છે. પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ તો પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના અધિકાર વગર કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ કયા અધિકારથી દેશની આ રાષ્ટ્રીય ધરોહરને લઈ ગયા છે. તેમને આ પત્રોમાં શું બહાર પડી જવાનો ડર લાગ્યો કે તેમણે આ પત્રો એક સમયના નેહરુ મેમોરિયલમાંથી પોતાને ત્યાં લઈ ગયા. એક જ પરિવારનો પક્ષ કોંગ્રેસ આ રીતે દેશથી શું છૂપાવવા માંગે છે. હવે તેઓને ખબર પડી કે આ પત્રો તેમની અંગત સંપત્તિ નહીં રહે, પણ વડાપ્રધાન મ્યુઝિયમના નેજા હેઠળ રાષ્ટ્રીય સંપત્તિ બનશે તેવો અહેસાસ પહેલાં જ થઈ ગયો હતો.

આ સાથે તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ચેરપર્સન સોનિયા ગાંધી આ રીતે પત્રો લઈ જઈને એક ખોટી પ્રથાને જન્મ આપી રહ્યા છે. હવે તેઓ પોતે જ આવું કરશે તો ભવિષ્યમાં કોંગ્રેસના બંધારણીય હોદ્દા પરના હોદ્દેદારો તેમની કાર્યપ્રણાલિને અનુસરીને તેમના સત્તાવાર વ્યવહારોને આ રીતે ઘરભેગા કરશે. તેથી મહેરબાની કરીને કોંગ્રેસ આવી ખોટી પ્રથાને જન્મ ન આપે અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ લખેલા પત્રો વડાપ્રધાન સંગ્રહાલયને પરત કરે. ભવિષ્યમાં કોંગ્રેસનો કોઈ પણ સીએમથી લઈને પ્રધાન આ પ્રકારનો સત્તાવાર પત્રવ્યહાર કરે અને પછી તેને આ રીતે મ્યુઝિયમમાં રાખવાના બદલે ઘરે લઈ જાય તો પછી સત્તાવાર રેકોર્ડને મોટી ખોટ પડશે. પછી સત્તાવાર રેકોર્ડ જેવું જ કશું રહેશે નહીં અને રહેશે તો તેની વિશ્વસનીયતા નહીં રહે.
આ ઉપરાંત બીજો સવાલ અહીં પારદર્શકતાનો છે, કોંગ્રેસ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પત્રોના મુદ્દે કેમ પારદર્શક વલણ અપનાવવા માંગતી નથી. આ પત્રો કોંગ્રેસ ભલે બધા સમક્ષ જાહેર ન કરે, પરંતુ તે વડાપ્રધાન મ્યુઝિયમને પણ ન આપે તે તો દેશના વર્તમાન અને ભવિષ્ય માટે અન્યાય હશે. એક સમયનો દેશનો સૌથી મોટો પક્ષ અને હાલનો સૌથી મોટો વિપક્ષ આ કયા પ્રકારની પરંપરા દેશ માટે છોડી જવા માંગે છે. રાષ્ટ્રીય ધરોહરને વ્યક્તિગત સંપત્તિ તરીકે ગણવાનો આ પ્રયાસ તેની હાલની માનસિકતા દર્શાવે છે. દેશના બીજા નંબરના પક્ષ પાસેથી ઉદાહરણરૂપ વ્યવહારની આશા રખાય છે, પરંતુ કોંગ્રેસ પક્ષ તેમાં પણ નિષ્ફળ ગયો છે. પોતાના જ પક્ષની અંદર ત્રણ-ત્રણ પેઢીથી પક્ષની આંતરિક લોકશાહીનું ગળું ઘોટનાર પક્ષ હવે દેશની રાષ્ટ્રીય ધરોહરને પણ પોતાની વ્યક્તિગત સંપત્તિ ગણે છે. અંગ્રેજી બંધારણ સાથે અસ્તિત્વમાં આવનારી કોંગ્રેસ હવે ભારત અને તેની રાષ્ટ્રીય ધરોહરોને પોતાની વ્યક્તિગત જાગીર સમજવાની માનસિકતા છોડે તેમા જ તેનું અને દેશનું ભલું છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ નેહરુના પત્રો પરત કરવા જોઈએ… પીએમ મેમોરિયલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે?
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ નેહરુ સંબંધિત દસ્તાવેજો પરત કરવા જોઈએ, વડાપ્રધાન મ્યુઝિયમે લખ્યો પત્ર
આ પણ વાંચો: કર્ણાટકની શાળા-કોલેજોમાં બંધારણની પ્રસ્તાવના ભણવી અનિવાર્ય,કેબિનેટમાં લેવાયો નિર્ણય
