Nepal News : નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોખરા જઈ રહેલા પ્લેનમાં 19 લોકો સવાર હતા અને ટેકઓફની એક મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટનો આબાદ બચાવ થયો હતો. એકમાત્ર જીવિત પાયલોટના બચાવની એક તસવીર સામે આવી છે જેમાં રેસ્ક્યુ ટીમ તેને ક્રેશ સ્પોટમાંથી બહાર કાઢતી જોવા મળી રહી છે.
37 વર્ષના પાયલટ કેપ્ટન મનીષ રત્ન શાક્ય લોહીથી લથપથ જોવા મળે છે. તસ્વીરમાં રેસ્ક્યુ ટીમ તેમને ખાઈમાંથી બહાર કાઢીને ઉંચી જગ્યા તરફ લઈ જઈ રહી હોવાનું જોવા મળે છે. પાયલોટનો ચહેરો લોહીથી ખરડાયેલો છે અને તેનો યુનિફોર્મ પણ લોહીથી લથપથ છે. આ અકસ્માતમાં પાયલટ શાક્યનો જીવ બચી ગયો હતો પરંતુ તેના કો-પાઈલટ સુશાંત કટુવાલ અને અન્ય લોકોને બચાવી શકાયા ન હતા.
પાયલટ શાક્યને વિમાનના કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે પાયલટની આંખમાં ઈજા થઈ છે પરંતુ તે ખતરાની બહાર છે. પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. ટેક ઓફ થયા બાદ તરત જ પ્લેન પલટી ગયું અને જમીન સાથે અથડાયું. આંખના પલકારાના ઓછા સમયમાં વિમાનમાં આગ લાગી અને તે ખાઈમાં પડી ગયું. અકસ્માત બાદ કાલે ત્રિભુવન એરપોર્ટ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું.
પ્લેનમાં સવાર તમામ 19 લોકો સૌરી એરલાઈન્સના સ્ટાફ હતા જેઓ પ્લેનને સમારકામ માટે લઈ જઈ રહ્યા હતા. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે વાર્ષિક જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે એરક્રાફ્ટનું ઉડ્ડયન અને તપાસ કરવામાં આવી રહી હતી. ઓથોરિટીના જણાવ્યા અનુસાર પ્લેન ખોટી દિશામાં વળ્યું અને ક્રેશ થયું.વિમાને ટેકઓફ કર્યા બાદ તરત જ ડાબી તરફ વળવાનું હતું પરંતુ તે જમણી તરફ વળ્યું અને ક્રેશ થયા બાદ ખાઈમાં પડી ગયું.
સૂર્યા એરલાઈન્સની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર, એરક્રાફ્ટના કેપ્ટન મનીષ રત્ન શાક્ય માત્ર એરક્રાફ્ટના પાઈલટ જ નહીં પરંતુ એરલાઈનમાં ચીફ ઓફ ઓપરેશન્સ પણ છે.તેમની LinkedIn પ્રોફાઇલ અનુસાર, તેઓ 9 વર્ષથી વધુ સમયથી એરલાઇન્સમાં કામ કરી રહ્યા છે. આ પહેલા તેણે સિમ્રિક એરલાઈન્સમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો હતો.
આ પણ વાંચો:12 ખેડૂતોનું પ્રતિનિધિમંડળ રાહુલ ગાંધીને મળવા સંસદ પહોંચ્યું
આ પણ વાંચો:‘માતાજી બોલવામાં નિષ્ણાત છે’,ખડગેએ રાજ્યોને બજેટ ફાળવણી અંગે સીતારામન પર કર્યો પ્રહાર
આ પણ વાંચો:નીતિશ કુમારના બગડ્યા બોલ, ગૃહમાં ધારાસભ્યને કહ્યું- તમે મહિલા છો, તમને કંઈ ખબર નથી, શાંતિથી બેસો…
