Gujarat News/ PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર

ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ પછી, રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY યોજના હેઠળ કાર્ડિયાક સારવાર પૂરી પાડતી સૂચિબદ્ધ હોસ્પિટલો માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

Top Stories Gujarat

Gujarat News:ખ્યાતી હોસ્પિટલના કૌભાંડ પછી, રાજ્યના આરોગ્ય વિભાગે PMJAY યોજના હેઠળ કાર્ડિયાક સારવાર પૂરી પાડતી સૂચિબદ્ધ હોસ્પિટલો માટે અલગ માર્ગદર્શિકા તૈયાર કરી છે.આપને જણાવી દઈએ થોડા સમય પહેલા ખ્યાતિ હોસ્પિટલમા થોડા લોકોના મોત થયા હતા જેનું કારણ ડોક્ટરોની બેદરકારી અને PMJY યોજનાનો ખોટો ઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આ માર્ગદર્શિકા જેમાં હૃદયરોગની સારવાર કરતી હોસ્પિટલોમાં પૂર્ણ સમયના કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયો વેસ્ક્યુલર થોરાસિક સર્જન ફરજિયાત રહેશે. આ ઉપરાંત એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સીડી દર્દીના પરિવાર સહિત આરોગ્ય વિભાગને આપવાની રહેશે. મહત્ત્વની વાત એ છે કે, કટોકટી પહેલાં, કાર્ડિયોલોજિસ્ટ 3 એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં સેવા આપી શકતા હતા. પરંતુ હવેથી પૂર્ણ સમયના તબીબોની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી છે.

ઈમરજન્સીના કિસ્સામાં હોસ્પિટલમાં માત્ર એન્જિયોપ્લાસ્ટી કરવાની જ મંજૂરી આપવામાં આવશે, સર્જરી નહીં. જો કે આરોગ્ય વિભાગને પુરાવા આપવાના રહેશે. આ ઉપરાંત હૃદયની સારવાર માટે પેનલમાં આવેલી હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું ફરજિયાત છે. હૃદયરોગની સારવાર કરતી હોસ્પિટલો માટે ઓછામાં ઓછા 2 વેન્ટિલેટર સાથે કેન્દ્રિય ઓક્સિજન સપ્લાય સાથે ICCU અથવા MICU અથવા ICU હોવું ફરજિયાત છે.

નવી માર્ગદર્શિકાને કારણે નાના શહેરો અને ગામડાઓના લોકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. યોજનાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અગાઉ કાર્ડિયોલોજિસ્ટ પેનલમાં સામેલ 3 હોસ્પિટલોમાં સેવા આપી શકતા હતા. નવી ગાઈડલાઈન મુજબ માત્ર એક જ હોસ્પિટલમાં ફુલ ટાઈમ ડોક્ટર રાખવાની સૂચનાને કારણે ઘણી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઈ શકશે નહીં. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં તબીબોની અછતની શક્યતા ઓછી છે, પરંતુ ગુજરાતમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયો વેસ્ક્યુલર થોરાસિક સર્જનોની સંખ્યા ઓછી હોવાને કારણે નાના શહેરો અને ગામડાઓમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે તેઓને સારવાર માટે મોટા શહેરોમાં આવવાની ફરજ પડી રહી છે. આ સિવાય હોસ્પિટલોમાં પણ રાહ જોવાની શક્યતા છે.

કેન્સરના દર્દીઓ માટે નિષ્ણાત તબીબોના સૂચન બાદ નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી 

કેન્સરના (Oncology) દર્દીની જરૂરિયાત મુજબ યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય લઇ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ)માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને TBC(ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (Image-guided radiation therapy)માં CBCT (Cone Beam Computed Tomography) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.

કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

નિયોનેટલ કેર 

મંત્રીએ નિયોનેટલ કેર અંગેની નવીન માર્ગદર્શિકા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર અંગે મળેલી રજૂઆતોને ધ્યાને લેતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટ અથવા સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટમાં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઇને CCTV ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.

આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમયાંતરે નિયોનેટલ ઇન્ટેન્શિવ કેર યુનિટની મુલાકાત લઇ રિપોર્ટ સ્ટેટ હેલ્થ એજન્સીને રીપોર્ટ સબમિટ કરવાનો રહેશે. જેના માટે ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ પણ ટૂંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનીટર કરી શકાય. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશ્યાલિટીમાં એમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઇમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવ્યા છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાનો રહેશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઓર્થોપ્લાસ્ટી

નોંધનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના હેઠળ TKR/THR (Total Knee Replacement/Total Hip Replacement) માટેની નવીન SOP બનાવવામાં આવી હતી. જેમાં TKR/THR માટેના ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા”ના કેસોની સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી”નાં ઓછામાં ઓછા ૩૦ ટકા કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જેમાં આ રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી પણ કરવામાં આવે છે. સાથે જ, હોસ્પિટલ દ્વારા સળંગ ૯ માસ સુધી આ રેશીયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. PMJAY યોજના અંતર્ગત જોડાયેલી કુલ ૭૫ હોસ્પિટલને રૂ. ૩.૫૧ કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વ્રારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોને કારણે વર્ષ 2024માં અત્યાર સુધીમાં કુલ 14 થી વધુ હોસ્પિટલો સામે ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેન્લ્ડ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવી છે. તદઉપરાંત અંદાજીત રૂ.18 કરોડનો દંડ પણ કરાયો છે. અમુક કિસ્સાઓમાં ડોકટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાંત મેડિકલ કાઉન્સિલ દ્વ્રારા પણ જરૂરી પગલા લેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:3000 નકલી PMJAY કાર્ડ, બિહારથી ગુજરાતમાં ફેલાયેલા નેટવર્કનો પર્દાફાશ

આ પણ વાંચો:PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ

આ પણ વાંચો:PMJAYમાં ગેરરીતિ રોકવા લેવાશે AIની મદદ, આરોગ્ય વિભાગ સક્રિય