Gandhinagar News/ પ્રેમસંબંધ છુપાવવા નવજાતનો જીવ લીધો? દહેગામમાં માતા અને તેના પ્રેમી સામે હત્યાનો ગુનો

ગાંધીનગરના દહેગામના અંગુથલા ગામની સીમમાંથી મળેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત (Newborn Baby Murder) થયું. પોસ્ટમોર્ટમમાં ગળું દબાવ્યાનું સામે આવતાં માતા અને તેના પ્રેમીની ધરપકડ.

Gandhinagar Top Stories Gujarat Breaking News
Newborn Baby Murder: 4 વર્ષના પ્રેમસંબંધનો કરુણ અંજામ, બેની ધરપકડ

Gandhinagar News: દહેગામના (Dehgam) અંગુથલા ગામની સીમમાંથી 14 નવેમ્બરે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીના મોતના (Newborn Baby Murder) કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીની માતાએ પોતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી હતી. લગ્નેતર સંબંધથી જન્મેલી બાળકીની વાત બહાર ન આવે અને સમાજમાં બદનામી ન થાય તેવા ડરથી બંનેએ નવજાતનું ગળું દબાવી દીધું હતું. આ મામલે દહેગામ પોલીસે 21 વર્ષીય માતા કલ્પા અને તેના 32 વર્ષીય પ્રેમી કાળાજી સોલંકીની ધરપકડ કરી છે.

Newborn Baby Murder: ખેડૂતને ઝાડીમાંથી સંભળાયો બાળકીના રડવાનો અવાજ

14 નવેમ્બરે સવારે આશરે 8:30 વાગ્યે અંગુથલા ગામના રામાજીના મુવાડા વિસ્તારમાં રહેતા ખેડૂત શશાંક હિમ્મતસિંહ સોલંકી પોતાના ઘર પાછળના ગોચરમાં ગયા હતા. આ દરમિયાન તેમને ઝાડી-ઝાંખરામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં તપાસ કરતાં એક ખાડામાં નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી.

ખેડૂતે તાત્કાલિક ગામના સરપંચ જીતેન્દ્રસિંહ ઝાલાને જાણ કરી હતી. સરપંચ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં દાખલ કરાઈ હતી. જોકે, સાંજે આશરે 7 વાગ્યે બાળકીનું મોત થયું હતું.

પોસ્ટમોર્ટમમાં ગળું દબાવવાથી મોત થયાનો ખુલાસો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દહેગામ પોલીસ દ્વારા બાળકીનું પેનલ ડોક્ટરોની ટીમ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ચાર વર્ષથી પ્રેમસંબંધ, અગાઉ બે વખત ગર્ભનો નિકાલ કર્યાનો આક્ષેપ

પોલીસ તપાસમાં અંગુથલા ગામના રામાજીના મુવાડા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય કલ્પા અને ગામમાં જ રહેતા 32 વર્ષીય કાળાજી સોલંકી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું. બંને પરણિત છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્પાનાં લગ્ન આશરે પાંચ વર્ષ પહેલાં થયાં હતાં અને ચાર વર્ષ અગાઉ કાળાજી સાથે તેનો પ્રેમસંબંધ બંધાયો હતો.

પતિ સાથે મનમેળ ન આવતાં કલ્પા દોઢેક વર્ષથી પિયર રહેતી હતી, જ્યારે કાળાજીની પત્ની પણ તેનાથી અલગ પિયર રહેતી હતી. તપાસમાં એવો આક્ષેપ સામે આવ્યો છે કે બંને વચ્ચેના સંબંધ દરમિયાન કલ્પા અગાઉ બે વખત ગર્ભવતી થઈ હતી અને બંનેએ સાથે મળીને ગર્ભનો નિકાલ કર્યો હતો. ત્રીજી વખત ગર્ભ રહ્યો ત્યારે કલ્પાને તેની જાણ થઈ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

ગર્ભાવસ્થા છુપાવવા પરિવારને અંધારામાં રાખ્યા

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રીજી વખત ગર્ભનો નિકાલ કરવા કાળાજીએ કલ્પાને ગોળીઓ પણ આપી હતી, પરંતુ ગર્ભનો નિકાલ થયો નહોતો. કોઈ ડોક્ટર પાસે જવાથી સંબંધની વાત બહાર આવી જવાની બીકે કલ્પાએ ગર્ભાવસ્થા પરિવારથી છુપાવી રાખી હતી. તે પેટમાં દુખાવો થતો હોવાનું બહાનું આપતી હતી અને કાળાજી દ્વારા આપવામાં આવતી દવાઓ લેતી હતી.

પ્રસૂતિ બાદ નવજાતનું ગળું દબાવ્યાનો આરોપ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, 14 નવેમ્બરની મધરાતે કલ્પાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. તે કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી નીકળી ગામની સીમમાં આવેલા ગોચરમાં પહોંચી હતી. ત્યાં કાળાજી પણ હાજર હતો. કલ્પાએ ત્યાં નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકીના રડવાનો અવાજ બહાર ન જાય અને સંબંધની વાત જાહેર ન થાય તેવા ડરથી બંનેએ તેનું ગળું દબાવી દીધું હોવાનો પોલીસનો આક્ષેપ છે. ત્યારબાદ બંનેએ બાળકીને ખાડામાં ત્યજી દીધી હતી અને ઘરે પરત ફર્યા હતા.

પ્રેમી યુગલની ધરપકડ, રિમાન્ડની કાર્યવાહી

પોલીસે બાતમી અને તપાસના આધારે કલ્પા તથા કાળાજી સોલંકીની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન બંનેએ ઘટનામાં સંડોવણીની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ (Mother Lover Arrested) કરી છે અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: ભરૂચના અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ મળતા ચકચાર, નર્મદા કિનારે મૃતદેહ મળતા પોલીસે શરૂ કરી તપાસ

આ પણ વાંચો: અમદાવાદમાં 20 દિવસની નવજાત બાળકીના ગેરકાયદે સોદાનો ભંડાફોડ: 4 મહિલાઓની ધરપકડ, બાળ તસ્કરી એંગલથી તપાસ

આ પણ વાંચો: દાંતામાં નવજાત બાળકીની લાશ થેલામાંથી મળી