ગુજરાત રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે આખું વર્ષ પુરુ થવા આવ્યું. સરકારે આખું વર્ષ એક પણ તહેવાર ઉજવવાની પરમીશન આપી નથી. ત્યારે દિવાળી ઉપર સરકાર ફટાકડા ફોડવાની પરમીશન આપી છે. આજ રોજ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર રાજ્યમાં ફટાકડા ઉપર પ્રતિબંધ નહિ લાગે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છૂટ મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રીના 9 થી 10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે. દિવાળી તહેવારમાં ફટાકડા વેચાણ પર કોઈ પ્રતિબંધ નહિ લાગે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ પણ કોઈ પ્રતિબંધ નહીં લાગે. રાજ્યમાં ફટાકડા ઉધોગની તરફેણમાં રાજ્ય સરકાર દ્વારા આ સ્ટેન્ડ લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા વેચવા અને ફોડવા મુદ્દે કોરોના ગાઈડલાઈન્સ અનુસાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ મળ્યા છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 144 હેઠળ આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદે આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવી છે. કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે.
અત્રે નોધનીય છે કે, ડોક્ટરોના મતે ફટાકડાનો ધુમાડો માત્ર કોરોનાના દર્દીઓનીસાથે કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે. કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં ઉપર થાય છે. એટલે ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાથી ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ નિષ્ણાતો આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપે છે.
