Gandhinagar News : દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે ‘વૈશ્વિક ઊર્જા (Energy)સ્વાવલંબન દિવસ’ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઊર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50 ટકા વીજળી નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવાનો સંકલ્પ પણ કર્યો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા (Energy)ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે દેશની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં સૌથી વધુ 17.82 ટકા ફાળો ધરાવે છે. કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા તેમજ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા (15,850.56 મેગાવોટ)માં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ ઉપરાંત, સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા (32,302.7 મેગાવોટ)માં રાજ્ય બીજા ક્રમે છે, જ્યારે 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408.10 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ ક્રમે છે.
32,302.7 મેગાવોટ ક્ષમતા સાથે સૌર ઊર્જા (Energy)ક્ષેત્રે ગુજરાત અગ્રણી રાજ્ય
સૌર ઊર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. મે 2026 સુધીમાં રાજ્યની કુલ સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટ સુધી પહોંચી છે. તેમાં 23,259.27 મેગાવોટ ગ્રાઉન્ડ-માઉન્ટેડ પ્રોજેક્ટ્સ, 7,408.10 મેગાવોટ રૂફટોપ સોલાર, 1,434.66 મેગાવોટ હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ તથા 200.48 મેગાવોટ ઓફ-ગ્રીડ સિસ્ટમ્સ (પીએમ-કુસુમ યોજના સહિત)નો સમાવેશ થાય છે.

રાજ્યના મુખ્ય સોલાર પાર્કમાં ચારણકા (749 મેગાવોટ), રાધાનેસડા (700 મેગાવોટ) અને ધોલેરા (300 મેગાવોટ)નો સમાવેશ થાય છે. તો કચ્છનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 37.35 ગીગાવોટની આયોજિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ છે, જ્યાં મે 2026 સુધીમાં અહીં 15.54 ગીગાવોટ ક્ષમતા નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016થી ગુજરાત સરકારે રહેણાંક રૂફટોપ સોલાર(Rooftop Solar)ને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ આ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે. પરિણામે, રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજ્યમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલ થયા છે અને દેશના કુલ રૂફટોપ સોલાર (Rooftop Solar)ઇન્સ્ટોલેશનમાં ગુજરાતનો ફાળો 21 ટકાથી વધુ નોંધાયો છે. ખેતી ક્ષેત્રે પણ પીએમ-કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ-બી હેઠળ મે 2026 સુધીમાં 22,792 સ્વતંત્ર ઓફ-ગ્રીડ સોલાર વોટર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 162.62 મેગાવોટ છે.
15,850.56 મેગાવોટ ક્ષમતા સાથે પવન ઊર્જામાં ગુજરાત પ્રથમ ક્રમે
દેશની પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કરનાર ગુજરાત પવન ઊર્જા (Energy)ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. મે 2026 સુધીમાં રાજ્યની સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 15,850.56 મેગાવોટ સુધી પહોંચી છે, જેમાં કચ્છનો ફાળો સૌથી વધુ 8,191.42 મેગાવોટ છે. આ ઉપરાંત, જામનગર (1,986.15 મેગાવોટ), દેવભૂમિ દ્વારકા (1,343.24 મેગાવોટ), અમરેલી (992.90 મેગાવોટ), રાજકોટ (869.60 મેગાવોટ), ભાવનગર (626.20 મેગાવોટ), મોરબી (612.10 મેગાવોટ), સુરેન્દ્રનગર (500.60 મેગાવોટ) અને પાટણ (208.20 મેગાવોટ) જિલ્લાઓનો પણ નોંધપાત્ર ફાળો છે.
રાજ્યએ 2018 હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત આરઈ પોલિસી-2023 હેઠળ 2,838.07 મેગાવોટના વિંડ-સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા છે. પવન ઊર્જા પ્રોજેક્ટ્સ માટે 80 ટકાથી વધુ ટર્બાઇન સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ‘અક્ષય ઊર્જા સેતુ’ ઓનલાઈન પોર્ટલ દ્વારા ગ્રીડ કનેક્ટિવિટી માટે એક પારદર્શક અને સરળ વ્યવસ્થા ઊભી કરી છે, જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણને વેગ મળ્યો છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2.37 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.
સુદ્રઢ નીતિઓથી ગુજરાતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના વિકાસને ગતિ મળી

ગુજરાત આજે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે (Gujarat Renewable Energy)અગ્રણી રાજ્ય બન્યું છે તેમાં રાજ્ય સરકારની સુદ્રઢ નીતિઓનો નોંધપાત્ર ફાળો છે. વર્ષ 1993માં દેશની પ્રથમ વિંડ પાવર પોલિસી જાહેર કર્યા બાદ ગુજરાતે 2009, 2015 અને 2021ની સૌર ઊર્જા નીતિ, વર્ષ 2016ની વેસ્ટ-ટુ-એનર્જી અને સ્મોલ હાઇડલ નીતિ તથા વર્ષ 2018ની વિંડ-સોલાર હાઇબ્રિડ પોલિસી સહિત અનેક મહત્વપૂર્ણ નીતિઓ અમલમાં મૂકી છે.
વર્ષ 2022ની સુધારાયેલી વેસ્ટ-ટુ-એનર્જી (Wind Energy)નીતિ અને 24 ડિસેમ્બર, 2025થી 31 ડિસેમ્બર, 2030 સુધી અમલમાં રહેનારી ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 દ્વારા સૌર, પવન, હાઇબ્રિડ, વિકેન્દ્રિત પ્રોજેક્ટ્સ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે એકીકૃત નીતિગત માળખું ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વર્ષ 2023ની નીતિ દ્વારા ક્ષમતાની મર્યાદા દૂર કરી તમામ પ્રકારના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત, 2025ની નીતિ હેઠળ વિકેન્દ્રિત નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સને વેગ આપવા, ગ્રીડ કનેક્ટિવિટી સરળ બનાવવા, જૂના પવન ઊર્જા પ્રોજેક્ટ્સના રીપાવરિંગ, બેટરી સ્ટોરેજના એકીકરણ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, નવીનીકરણીય ઊર્જાના ઉત્પાદન અને રિસાયક્લિંગ, ગ્રુપ તથા વર્ચ્યુઅલ નેટ મીટરિંગ, કૃષિ અને રૂફટોપ સોલાર તેમજ ગ્રીન જોબ્સ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
નવીનીકરણીય ઊર્જાના ભવિષ્ય તરફ ગુજરાતની આગેકૂચ
ગુજરાત નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1,531 નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે. તેમાં 1,320 સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ (3.377 ગીગાવોટ), 115 પવન ઊર્જા પ્રોજેક્ટ્સ (3.913 ગીગાવોટ) અને 96 હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ (4.869 ગીગાવોટ)નો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં આયોજિત RE-INVEST 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યો છે, જે ભારતના 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આશરે 20 ટકા ફાળો આપશે.
