Electricity Duty Gujarat Exemption: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાણા મંત્રી કનુ દેસાઈએ વીજ કરના મુદ્દે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી અને પ્રજાવત્સલ નીતિઓની વિગતવાર માહિતી આપી હતી. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં ખેતી વિષયક વીજળી પર વર્ષ 2004થી વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
ખેડૂતો માટે ‘ઝીરો’ વીજ કર
નાણા મંત્રીએ જણાવ્યું કે, ખેતીવાડીમાં સિંચાઈ માટે વપરાતી મોટર કે કુવા પર થતા વીજ વપરાશ તેમજ તે માટેના લાઈટીંગ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જે 1 જુલાઈ, 2004થી અમલી છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ટેક્સનું માળખું
રહેણાંક વિસ્તારોમાં વીજ (Electricity) કરના દરો વિશે વિગતવાર માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં માત્ર 7.5% વીજ કર વસૂલવામાં આવે છે, જ્યારે તેની સરખામણીએ શહેરી રહેણાંક વિસ્તારોમાં 15% વીજ કર અમલી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતા તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટ સુધીના વીજ વપરાશ પર કોઈપણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી, જે સામાન્ય જનતા માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક છે.

આ સેવાઓને મળે છે સંપૂર્ણ મુક્તિ
રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વની જાહેર સેવાઓને વીજ કરમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે સૂર્ય (Solar) અને પવન ઊર્જા (Wind Energy) જેવા ગ્રીન એનર્જીના સ્ત્રોતો પર કોઈ પણ વીજ (Electricity) કર લેવામાં આવતો નથી. આ ઉપરાંત, જાહેર જનતાની સુવિધા માટે ચાલતી સરકારી હોસ્પિટલો, ‘નો પ્રોફિટ’ ધોરણે સેવા આપતા દવાખાના, પબ્લિક સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સ જેવી સંસ્થાઓને પણ આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. સામાજિક સેવામાં પણ રાહત આપતા પબ્લિક મ્યુઝિયમ, ઝૂ, ગાર્ડન અને શહેરની ડ્રેનેજ સિસ્ટમ માટે વપરાતી વીજળી પર કોઈ પણ પ્રકારનો વીજ કર વસૂલવામાં આવતો નથી.
ઉદ્યોગો અને ટુરિઝમ માટે પ્રોત્સાહન
નવા ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર દ્વારા વિશેષ આર્થિક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માં સ્થપાતા નવા એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત, નવા ઉત્પાદન કરતા ઉદ્યોગોને પણ શરૂઆતના 5 વર્ષ સુધી વીજ કરમાં વિશેષ છૂટછાટનો લાભ મળે છે. પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ટુરિઝમ પોલીસી હેઠળ મંજૂર થયેલા એકમોને પણ પ્રથમ ૫ વર્ષ માટે 100% રાહત આપવાની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં શોભાયાત્રામાં 45 વર્ષમાં પહેલી જ વખત ડીજે બંધ રખાતા શ્રદ્ધાળુઓ લાલઘૂમ
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
