Gujarat News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યમાં વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ વીજ માંગ ને પહોંચી વળવા એક ક્રાંતિકારી પહેલ કરી છે. ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતના પાવર નેટવર્કને “વિકસિત ભારત @ 2047”ના વિઝન તરફ લઈ જવા માટે “ઊર્જા સંવર્ધનમ્” નામનું એક અદ્યતન, ડેટા-આધારિત, ડિજિટલ ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ અને કોઓર્ડિનેશન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વીજ વપરાશમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વીજળીના પુરવઠાનું અસરકારક વ્યવસ્થાપન અને નિયંત્રણ જાળવવા માટે આ અદ્યતન ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ “ઊર્જા સંવર્ધનમ્”ની પહેલ કરવામાં આવી છે. આ પહેલના માધ્યમથી વીજ વપરાશના દૈનિક કે સમયબદ્ધ ડેટાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી લોડ વધ-ઘટના સંજોગોમાં વીજ કંપનીઓને સમયસર પૂર્વાનુમાન મેળવીને જરૂરી પગલાં લેવા માટે એલર્ટ મળે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબંધિત અધિકારીઓને આ નવીન પ્રણાલીનો મહત્તમ ઉપયોગ કરીને વીજળી ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયાને સુદૃઢ બનાવવા સૂચના આપી છે. ખાસ કરીને, 12 ટકા કે તેથી વધુ લોડ વપરાશ ધરાવતા વિસ્તારોમાં ફીડર/ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર દ્વારા તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાદેશિક અને ઔદ્યોગિક વિસ્તારોમાં લોડ પ્રોબેબિલિટીનું વિશ્લેષણ કરીને, 6થી 12 ટકા વીજ વપરાશ વધારો ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપીને માળખાકીય વિકાસનું આયોજન કરાશે. આ પ્લેટફોર્મ DISCOMS, GETCO, અને GUVNL માટે એક સંકલિત ડિજિટલ ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય ઉદ્યોગ, વેપાર, કૃષિ અને શહેરીકરણમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી વર્ષોમાં વીજળીની માંગ અનેકગણી વધવાની છે. આ વૃદ્ધિને ટકાવી રાખવા માટે રાજ્યના પાવર નેટવર્કને એટલે કે, વીજ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનને માંગ સર્જાય તે પહેલાંથી અગાઉથી આયોજન સાથે તૈયાર રાખવું ખૂબ જ જરૂરી છે.
અગાઉ, નેટવર્કનું વિસ્તરણ મુખ્યત્વે મેન્યુઅલ ઇનપુટ્સ અને લાંબી મંજૂરી પ્રક્રિયાઓ પર આધારિત હતું, જેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થતો હતો. જ્યારે હવે, રાજ્ય સરકારના નવા “ઊર્જા સંવર્ધનમ્” પ્લેટફોર્મના માધ્યમથી સંપૂર્ણ વિશ્લેષિત ડેટા ઉપલબ્ધ થતા નિર્ણય લેવામાં સરળતા થશે અને રાજ્યનું પાવર નેટવર્ક હંમેશા માંગથી એક કદમ આગળ . ખાસ કરીને, ગ્રામીણ અને શહેરી વિસ્તારોના દૂરના સબસ્ટેશનો પર વીજ વપરાશના અચાનક વધારાની સ્થિતિમાં મુશ્કેલી ન પડે તે માટે આ નવું મોનિટરિંગ સિસ્ટમ લોડ વધારાને સતત એલર્ટ પર રાખશે.
વીજ માંગ ને પહોંચી વળવા ઊર્જા સંવર્ધનમ્ પ્લેટફોર્મ કઈ રીતે કાર્ય કરશે?
ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણ: ફીલ્ડમાંથી ભૌગોલિક માંગનો ડેટા એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કરવું.
રિયલ-ટાઈમ મોનિટરિંગ: સબસ્ટેશન અને ફીડરના ગ્રોથ ટ્રેન્ડ્સનું સતત નિરીક્ષણ કરશે. ગુજરાતમાં લગભગ 2,400 સબસ્ટેશનો અને હજારો 11 kV ફીડર્સ મેપ કરવામાં આવ્યા છે.
* નવા સબસ્ટેશન પ્રસ્તાવ: નવા સબસ્ટેશન પ્રસ્તાવોને ડિજિટલ સબમિશનથી લઈને મંજૂરી સુધીના સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ વર્ક-ફ્લોને ટ્રેક કરશે. જેથી મંજૂરી પ્રક્રિયા ઝડપી થશે.
* હીટમેપ અને ડેશબોર્ડ: મેનેજમેન્ટને સંપૂર્ણ દૃશ્યતા આપવા માટે રિયલ ટાઈમ ડેશબોર્ડ અને હીટમેપ્સ પ્રદાન કરશે.
લોડ ગ્રોથના આધારે પ્રાથમિકતા
આ પ્લેટફોર્મ લોડ ગ્રોથના આધારે સબસ્ટેશનોનું વર્ગીકરણ કરશે. જેમાં 12 ટકાથી વધુ લોડ વૃદ્ધિ ધરાવતા વિસ્તારોને ‘ક્રિટિકલ’ અને 9થી 12 ટકા વૃદ્ધિવાળાને ‘વેરી હાઈ’ રિસ્ક ગણવામાં આવશે. જેના આધારે ઊર્જા વિભાગ દ્વારા વીજળીના વપરાશમાં 12 ટકા કે તેથી વધુ વપરાશ વાળા વિસ્તારોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
* સૌપ્રથમ, 7 ટકાથી વધુ અને 9ટકાથી ઓછા લોડ ગ્રોથ ધરાવતા વિસ્તારોને ધ્યાનમાં લઈને,6 થી 12 ટકા સુધીના લોડ ગ્રોથવાળા વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
* ત્યારબાદ, 6થી 9 ટકા સુધીના લોડ ગ્રોથવાળા વિસ્તારોને પ્રાથમિકતા આપીને વીજ વપરાશ સંબંધિત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.
સમગ્ર પાવર સેક્ટરનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન
“ઊર્જા સંવર્ધનમ્” પ્લેટફોર્મ ગુજરાતના પાવર સેક્ટરના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે એક મોટો આધારસ્તંભ છે. જેના માધ્યમથી:
* પ્રોએક્ટિવ આયોજન: માંગ સર્વોચ્ચ શિખરે પહોંચે તે પહેલાં નેટવર્કને તૈયાર કરી શકાશે.
* પારદર્શિતા: DISCOMs, GETCO અને GUVNL માટે રિયલ ટાઈમ વિઝિબિલિટી (દૃશ્યતા).
* ડેટા-આધારિત નિર્ણયો: ડેશબોર્ડ્સ અને હીટમેપ્સ દ્વારા સચોટ આંતરદૃષ્ટિ.
* સંકલિત નેટવર્ક વિકાસ: ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન વચ્ચેનું સંકલન સુધરશે, જેથી ડુપ્લિકેશન દૂર થશે અને એક સમાન, રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થશે.
ગુજરાત સરકાર રાજ્યના તમામ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળો અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. આ ‘ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ’ દ્વારા, વીજ વિભાગ વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા સાથે લોડનું વ્યવસ્થાપન કરીને, રાજ્યના વિકાસ અને ઔદ્યોગિક પ્રગતિમાં ઊર્જાના અવિરત પ્રવાહને સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચો: વાવાઝોડા એ ફેલાવ્યું ચોતરફ અંધારપટ 4દિવસ પછી પણ અમુક શહેરમાં વીજળીગુલ
આ પણ વાંચો: 48 ફીડરો બંધ થતા વીજપુરવઠો ખોરવાયો, અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઇ
આ પણ વાંચો: વડોદરા અને અન્ય જિલ્લાઓમાં અનરાધાર વરસાદને કારણે MGVCLની સરાહનીય કામગીરી

