અમદાવાદ,
દબંગ એક્ટર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ વાલ્મિકી સમાજ પર કરેલી કોમેન્ટ ભારે પડી છે. એક ટીવી શો દરમિયાન સલમાન અને શિલ્પાએ વાલ્મિકી સમાજ વિશે ટીપ્પણી કર્યા બાદ દેશભરમાં તેમનો વિરોધ થઇ રહ્યો છે. આ કોમેન્ટ અંગે ફરિયાદ થવાને કારણે નેશનલ કમિશન ફોર શેડ્યૂલ ટ્રાઇબે નોટીસ જાહેર કરીને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી અને દિલ્હી-મુંબઈના પોલીસ કમિશ્નર્સ પાસેથી 7 દિવસમાં જવાબ માગ્યો છે.
આ અંગે સંબધિત ચેનલ પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે.
સલમાન ખાને વાલ્મીકિ સમાજ માટે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી રાજકોટમાં વાલ્મીકિ યુવકોએ શહેરના બે સિનેમાઘરો સામે દેખાવ કરી ફિલ્મના પોસ્ટર ઉતરાવ્યા હતા તેમજ ફિલ્મ પ્રસારિત થવા નહીં દેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. શહેરના વાલ્મીકિ સમાજના યુવા આગેવાન ધર્મેશ વાઘેલાની આગેવાની હેઠળ યુવાનો મોટી સંખ્યામાં આરવર્લ્ડ સિનેમાએ ધસી ગયા હતા.
જામનગરના લાલ બાગ ખાતે પણ વાલ્મિકી સમાજે સલમાનખાનના નિવેદનનો વિરોધ કર્યો હતો. અમદાવાદમાં પણ વાલ્મિકી સમાજે સલમાન અને શિલ્પાની ટીપ્પણનો વિરોધ કરીને નારાબાજી કરી હતી.યુવાનોએ શુક્રવારે રિલીઝ થનાર ફિલ્મ ટાઇગર જીન્દા હૈનો વિરોધ કરી ફિલ્મના પોસ્ટર ઉતારી દેવા માંગ કરી હતી.
ધર્મેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, રિલીઝ થનારી ફિલ્મની પ્રસિધ્ધિ મેળવવા માટે ફિલ્મના પ્રોમોમાં સલમાનખાને વાલ્મીકિ સમાજની અશોભનીય ટિપ્પણી કરી છે. વાલ્મીકિ સમાજ સામે કરવામાં આવેલું આ કૃત્ય સાંખી લેવાશે નહીં અને સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ પ્રસારિત થવા દેવાશે નહીં.
સલમાન ખાને પોતાની ફિલ્મ ટાઇગર જીંદા હૈના પ્રમોશન કરતાં એક ટીવી શો દરમિયાન આ કોમેન્ટ કરી હતી. આ શોમાં સલમાને તેના ડાન્સની ટેલેન્ટની તુલના માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે શિલ્પા શેટ્ટીએ પણ તે ઘરમાં કેવી દેખાય છે તે માટે આ જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
સલમાનની આ કોમેન્ટ સામે વાલ્મિકી સમાજ નારાજ થયો હતો. અખિલ ભારતીય વાલ્મિકી સમાજ સામે કરવામાં આવતા અત્યાચાર મામલે રાજસ્થાનના પાલીમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. – તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે, વાલ્મિકી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, શિલ્પા શેટ્ટીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પણ આ કોમેન્ટની રિપીટ કરી હતી.
શિલ્પા અને સલમાન સામે વાલ્મિકી સમાજ એક્શન કમિટીના દિલ્હી અધ્યક્ષે પણ પશ્ચિમ દિલ્હીના ડીસીપી સામે ફરિયાદી પત્ર લખ્યો છે.