Not Set/ બાતમી આપો અને ઈનામ મેળવો’, રાજકોટ રેન્જ આઈજીએ ગુનેગારો સામે કસ્યો સકંજો

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની એન્ટ્રી બાદ સૌરાષ્ટ્રમાં ખળભળાટ. 29 આરોપીઓ પર ઈનામની જાહેરાત સાથે જામનગર અને સુરેન્દ્રનગરમાં મોટી કાર્યવાહી.

Top Stories Gujarat Others
Nirlipt Rai Rajkot Range IG Action

Nirlipt Rai Rajkot Range IG Action: સૌરાષ્ટ્રના ગુનાખોરીના ગઢમાં ‘સિંઘમ’ તરીકે જાણીતા આઈપીએસ નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા જ ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ રેન્જ આઈજી તરીકે પદભાર સંભાળ્યાને હજુ એક મહિનો પણ થયો નથી, ત્યાં તેમણે ગુનેગારો સામે સર્જિકલ સ્ટ્રાઈક શરૂ કરી દીધી છે. હવે રેન્જના પાંચ જિલ્લાના 29 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓને પકડવા માટે ઈનામોનો વરસાદ કરવામાં આવ્યો છે.

ગુનેગારોને પકડાવો અને મેળવો ઈનામ

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જમાં આવતા જિલ્લાઓના ૨૯ એવા આરોપીઓની યાદી તૈયાર કરી છે જે લાંબા સમયથી પોલીસને થાપ આપીને ભાગતા ફરે છે. આ આરોપીઓ વિશે સચોટ બાતમી આપનાર નાગરિકો માટે 5 હજારથી 20 હજાર રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. બાતમી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જેથી જનતા પણ ભય વગર પોલીસને મદદ કરી શકે.

જામનગરમાં બુલડોઝર ગરજ્યા

આઈજીની મુલાકાતની અસર જામનગરમાં સ્પષ્ટ જોવા મળી છે. જામનગરના બચુનગર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર મહાનગરપાલિકાએ જેસીબી ફેરવી દીધું છે. ખાસ કરીને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા જમાતખાના સહિતના બાંધકામોને તોડી પાડી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. નિર્લિપ્ત રાયની કડક સૂચના બાદ સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

24 કલાકમાં 1.38 કરોડનો દારૂ ઝડપાયો

નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ સુરેન્દ્રનગર પોલીસ પણ સફાળી જાગી છે. વર્ષોથી સુસ્ત રહેલી એલસીબી (LCB) એ આઈજીના આગમન બાદ માત્ર 24 કલાકમાં જ જબરદસ્ત એક્શન લઈને સાયલા નેશનલ હાઈવે અને વઢવાણના બલદાણા પાસે ગેરકાયદેસર દારૂના જથ્થા પર મોટી રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં વિદેશી દારૂ, વાહનો અને મોબાઈલ મળી કુલ ₹1,38,21,000નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. ખાસ વાત એ છે કે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ આ અચાનક રેડ પાડી હતી, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.

સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં એલર્ટ

રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા – આ પાંચેય જિલ્લાઓમાં હવે પોલીસ એક્ટિવ મોડમાં છે. નિર્લિપ્ત રાયની કાર્યપદ્ધતિ એવી છે કે તેઓ માત્ર આરોપીઓને પકડતા નથી પણ તેમના આર્થિક સામ્રાજ્યને પણ તોડી પાડે છે. આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા ધડાકાઓ થવાની પૂરેપૂરી શક્યતા છે.


આ પણ વાંચો : ગુજરાતમાં 200થી વધુ IPS છતાં નિર્લિપ્ત રાયની જ કેમ ચર્ચા? જાણો અનોખો રેકોર્ડ

આ પણ વાંચો : રાજકોટમાં નિર્લિપ્ત રાયની ધડબડાટી, ASI  સસ્પેન્ડ કરાયા

આ પણ વાંચો : અમરેલી લેટરકાંડમાં સમગ્ર તપાસ SMC કરશે, નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ