Delhi/ દિલ્હીમાં કોઈ વીજસંકટ નહીં, કેજરીવાલ સરકાર દ્વારા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે : ઉર્જામંત્રી

કેન્દ્રીય ઉર્જામંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં વીજ સંકટ નથી. આપણી પાસે કોલસાનો ભરપૂર સ્ટોક છે. સંકટનો ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

Top Stories India
Energy minister RK Singh

દેશના ઘણા રાજ્યોમાં કોલસાની કમીના કારણે વીજ સંકટ ઉભું થયું છે. રાજ્યો પાસે ખૂબ જ ઓછો કોલસાનો સ્ટોક વધ્યો છે. એવામાં કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ માટે કોલસાની આપૂર્તિ મેનેજ કરવુ તે મોટો પડકાર છે. આ ઘટના બાદ ઉર્જા મંત્રાલય હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય ઉર્જામંત્રી આરકેસિંહના નિવાસ સ્થાને બેઠક ચાલી રહી હતી. જેમાં કોલસાના સંકટને નિવારવા માટે ચર્ચા ચાલી રહી હતી. બેઠક બાદ કેન્દ્રીય ઉર્જામંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે, દિલ્હીમાં વીજ સંકટ નથી. આપણી પાસે કોલસાનો ભરપૂર સ્ટોક છે. સંકટનો ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઉર્જામંત્રીએ ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આપણે કોલસાનું પ્રોડક્શન વધારવાનું છે કારણે વીજની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. અમે કોલસાની માંગને પહોચી વળવા માટે પુરતો પ્રયાસ કરી રહ્યા છીએ.

વીજ મંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે, કોલસાની ડોમેસ્ટિક આપૂર્તિ પર્યાપ્ત છે. અમે કોલસાનો સપ્લાય સતત વધારી રહ્યા છીએ. આજે દેશના પાવર પ્લાન્ટ પાસે ચાર દિવસથી પણ વધારે કોલસો ચાલે તેટલો સ્ટોક છે. આશા છે કે, સ્ટોક દિવસે દિવસે વધતો જાય. રાજ્યોને પણ પત્ર લખવામાં આવ્યો છે કે, કોલસાની કમીને પહોચી વળવા માટે જ્યાં પહેલા જરૂરિયાત હોય ત્યાં પહેલા મોકલી રહ્યા છીએ. પહેલાની જેમ 17 દિવસનો સ્ટોક હોલ્ડીંગ નથી પરંતુ ચાર દિવસનો સ્ટોક છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોલસાની કમી પર પત્ર લખ્યો હતો. આજે અધિકારીઓની બેઠક બોલાવી હતી. અત્યારે દિલ્હીમાં જેટલી વીજળીની જરૂરિયાત છે તે પ્રમાણે વીજળી આપવામાં આવી રહી છે. ગેલ ઇન્ડિયા દ્વારા કોઈપણ પ્રકારના તથ્યને જાણ્યા વગર મેસેજ મોકલવામાં આવતા પેનિક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.

સિંહે કહ્યું હતું કે, અમે દરરોજ કોલસાના સપ્લાય પર સમીક્ષા કરી રહ્યા છીએ. ક્યાંય કોઈપણ જગ્યાએ વીજળીનું ઉત્પાદન ઠપ ન થાય તે માટે સતત મોનીટર કરી રહ્યા છીએ. અમે બે કરોડ 82 લાખ નવા ઘરમાં વીજળી પહોચાડી છે. અર્થવ્યવસ્થામાં ઝડપથી થતાં વિકાસને કારણે માંગ વધી રહી છે અને સતત તેને પહોચી વળવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.