Delhi News: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં કોવિડ -19 રસીકરણ અને યુવાનોના અચાનક થતાં મૃત્યુને લઈને સ્પષ્ટતા કરી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન નડ્ડાએ ICMR (ભારતીય તબીબી સંશોધન પરિષદ)ના રિપોર્ટના આધારે માહિતી આપતા જણાવ્યું કે યુવાનોમાં જોવા મળતાં અચાનક મૃત્યુ અને કોરોના રસીકરણ વચ્ચે કોઈ સંબંધ નથી. વધુમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં યુવાનો અને પુખ્ત વયના લોકોના થતા અકાળ મૃત્યુને લઈને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. અને આ ICMRના અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે રસીકરણ આવા મૃત્યુની શક્યતા ઘટાડે છે. યુવાનો અને પુખ્ત વયના લોકોના અકાળ મૃત્યુ થવાને લઈને કોરોના રસીકરણ પર સવાલો ઉઠયા હતા. ICMRના આ અભ્યાસનો ઉદ્દેશ્ય રસીકરણને લઈને ઉદભવેલ શંકાને દૂર કરવાનો હતો.
ICMRનો અભ્યાસ
ICMRએ આ સંશોધન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલોમાં કર્યું હતું. આમાં 18-45 વર્ષની વયના સ્વસ્થ વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ અચાનક મૃત્યુ પામ્યા હતા. અભ્યાસ દરમિયાન, 729 કેસો નમૂના તરીકે લેવામાં આવ્યા હતા, જેઓ અણધારી રીતે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2916 કેસોને સાચવવામાં આવ્યા હતા, જેમને હાર્ટ એટેક પછી પુનર્જીવિત કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 રસીના એક કે બે ડોઝ લેવાથી અચાનક મૃત્યુનું જોખમ ઘટે છે.
અભ્યાસમાં થયું સ્પષ્ટ
અધિકારીઓને અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે અમુક કારણો અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. આમાં મૃત્યુ પહેલાં હોસ્પિટલમાં COVID-19 માટે સારવાર મેળવવી, પરિવારમાં અચાનક મૃત્યુનો ઇતિહાસ, વધુ પડતા દારૂનું સેવન, ડ્રગનો ઉપયોગ અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ (જેમ કે જીમમાં વધુ પડતી કસરત)નો સમાવેશ થાય છે.
અચાનક મૃત્યુ પાછળ અન્ય કારણો: આરોગ્ય મંત્રી
આરોગ્ય પ્રધાને એમ પણ કહ્યું કે ICMR અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ -19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેના બદલે, COVID-19 સારવાર, અચાનક મૃત્યુનો પારિવારિક ઇતિહાસ અને જીવનશૈલીના પરિબળો આવા જોખમો વધારે છે. તેમણે કહ્યું કે રસીકરણની આડ અસરો પર દેખરેખ રાખવા માટે એક મજબૂત પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે, જેનું નામ ‘એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન’ (AEFI) છે. આ અંતર્ગત, તમામ રસીકરણ કેન્દ્રો પર જરૂરી કિટ ઉપલબ્ધ છે અને રસીકરણ પછી 30 મિનિટ સુધી તેનું નિરીક્ષણ કરવું ફરજિયાત છે.
કોવિડ રસીકરણ પર સુપ્રીમ કોર્ટ
અગાઉ, કોવિડ રસીની આડઅસરોને લઈને પણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ઓક્ટોબર 2023 માં, સુપ્રીમ કોર્ટે કોરોના રસી સંબંધિત આડઅસરોના આરોપોને ફગાવી દીધા હતા. આ પછી, એસ્ટ્રાઝેનેકા કંપનીએ પણ બ્રિટિશ કોર્ટમાં તેની રસીની આડઅસરો વિશે કબૂલ્યું, પરંતુ એમ પણ કહ્યું કે આ આડઅસર ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થાય છે.